ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકોઃ ભત્રીજા નિહાર ઠાકરેએ સીએમ શિંદેને સમર્થન આપ્યું
મુંબઈઃ મહારાષ્ટ્રના શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો લાગ્યો છે. ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા નિહાર શિંદે એકનાથ ઠાકરેને મળ્યા હતા અને તેમને સમર્થન આપ્યું હતું. નિહાર ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ બિંદુમાધવનો પુત્ર છે. આ પહેલા બાળ ઠાકરેની પુત્રવધૂ સ્મિતા ઠાકરે પણ એકનાથ શિંદેને મળી હતી. સ્મિતા ઉદ્ધવના મોટા ભાઈ જયદેવની પૂર્વ પત્ની છે. જો કે, સ્મિતા ઠાકરેએ એકનાથ શિંદે સાથેની મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવી હતી.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેનો શિંદે જૂથે વિરોધ કરીને શિવસેનામાંથી બળવો કર્યો હતો. શિંદેએ શિવસેનાના 40 ધારાસભ્યોને પોતાના પક્ષમાં લીધા અને પછી ભાજપ સાથે હાથ મિલાવીને સરકાર બનાવી. આ પછી શિવસેનાના 12 સાંસદોએ પણ એકનાથ શિંદેને સમર્થન આપ્યું હતું. હવે ઠાકરે પરિવારમાં જ અણબનાવ સર્જાયો છે.
ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા નિહાર ઠાકરે સીએમ એકનાથ શિંદેને મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિંદેએ નિહાર સાથેની મુલાકાત દરમિયાન કહ્યું કે, તેણે રાજકારણમાં પણ પ્રવેશ કરવો જોઈએ. તેના પર નિહારે એકનાથ શિંદેના નેતૃત્વમાં રાજનીતિ કરવાની વાત કરી હતી.
નિહાર ઠાકરેના પિતા બિંદુમાધવ ઠાકરેનું 1996માં માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. બાળાસાહેબ ઠાકરેના ત્રણ પુત્રોમાં બિંદુમાધવ સૌથી મોટા હતા. તેમના પછી ઉદ્ધવ ઠાકરે અને જયદેવ ઠાકરે આવે છે. બિંદુમાધવ રાજકારણમાં સક્રિય નહોતા. તેઓ ફિલ્મ નિર્માતા રહી ચૂક્યા છે. બીજી તરફ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના નેતા સંજય રાઉતે એકનાથ શિંદે અને ભાજપ સામે ગંભીર આક્ષેપ કર્યાં હતા. જો કે, હવે ઠાકરે પરિવારમાં જ તિરાડ પડી હોય તેમ ભત્રીજાએ શિંદેને સમર્થન આપતા રાજકીય ગરમાવો આવ્યો છે.