Site icon Revoi.in

ગુજરાતમાં વધુ એક બ્રિજ ઉદઘાટન પહેલા જ તૂટ્યો, સામાન્ય વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નવા બનાવેલા બ્રિજ ધરાશાયી થવાના બનાવો બની રહ્યા છે. અમદાવાદ શહેરનો હાટકેશ્વરનો બ્રિજ કરોડો રૂપિયા ખર્ચે બનાવ્યા બાદ ચાર વર્ષમાં બિસ્માર બની જતાં હવે નવા બ્રિજ બનાવવામાં આવશે. ભ્રષ્ટાચારને લીધે પ્રજાના ટેક્સના નાણા બરબાદ થઈ રહ્યા છે. તાજેતરમાં તાપી જિલ્લામાં મીંઝોળા નદી પરનો બ્રિજ તેના ઉદઘાટન પહેલા જ તૂટી પડ્યો હતો, જો કે રાજ્યના મુખ્યમંત્રીએ બે ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરીને તપાસના આદેશ આપ્યા છે. આ બનાવ બાદ સાબરકાંઠામાં મોતીપુરા પાસે આવેલો સાબરડેરી પાસેના બ્રિજનો એક ભાગ સામાન્ય વરસાદમાં તૂટી પડ્યો હતો. ઉદઘાટન પહેલા જ બ્રિજનો એક ભાગ તૂટી પડતા લોકોએ નબળા બાંધકામ સામે તપાસની માગ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નવા નક્કોર બ્રિજ તૂટી પડવાના બનાવો વધતા જાય છે. તાજેતરમાં દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના મીંઢોળા નદી પરનો હાઇ લેવલ બ્રિજ ઉદઘાટન પહેલા જ તૂટી પડ્યાના ત્રણ દિવસ બાદ સાબરકાઠા જિલ્લાના મોતીપુરા પાસે આવેલી સાબરડેરી નજીક બ્રિજનો એકભાગ સામાન્ય વરસાદમાં તુટી પડ્યો હતો. જોકે સામાન્ય વરસાદમાં જ તૂટી પડતા તંત્રની પોલ ખોલી ગઈ હતી. ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો હતો.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે એક તરફ જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે તો બીજી તરફ કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલો સાબરકાઠા જિલ્લાના મોતીપુરા ગામ નજીક આવેલો  બ્રિજ ઉદધાટન થાય તે પહેલા જ બ્રિજનો એકભાગ વરસાદમાં તુટી પડ્યો હતો. આ બ્રિજનું કામ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહ્યું હતું. જે સામાન્ય વરસાદમાં જ તૂટી પડતા તંત્રની પોલ ખોલી છે.  આ ઉપરાંત સાબરકાંઠાના મોતીપુરા વિસ્તારમાં પાણીની લાઈન પણ ધોવાઈ હોવાનું જાણવા મળ્યુ હતું.  જ્યારે બીજી તરફ ચિલોડા- શામળાજી હાઇવે નવીનીકરણની કામગીરી પહેલાથી વિવાદિત જ રહી છે. તકલાદી કામ અને ગુણવત્તા વિનાના કામે સવાલો ઊભા કરી દીધી છે. (file photo)