અમદાવાદઃ શહેરમાં દિનપ્રતિદિન વિસ્તાર સાથે વસતીમાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરની સાબરમતી નદીમાં ફુટબ્રીજ બનાવ્યા બાદ હવે સાબરમતી પાવર હાઉસથી હનુમાન કેમ્પ સુધીના રસ્તાને જોડતો નદી પર બ્રીજ બનાવવામાં આવશે. આ નવો બ્રીજ બનતા એરપોર્ટ જવામાં શહેરીજનોને સુગમતા રહેશે. પશ્વિમ વિસ્તારના લોકો જલ્દીથી એરપોર્ટ પહોંચી શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ખાસ કરીને પશ્વિમ વિસ્તારના લોકો એરપોર્ટ જવામાં ભારે ટ્રાફિકનો સામનો કરી રહ્યા હોવાથી સાબરમતી નદી પર વધુ એક બ્રીજ બનાવવાની માગ ઊઠી હતી. પેસેન્જરોને ફ્લાઇટ પકડવા માટે ભારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો. જો કે શહેરીજનોની આ સમસ્યા હવે હલ થવા જઇ રહી છે. અમદાવાદને વધુ એક ઓવરબ્રિજ મળવા જઇ રહ્યો છે. આ બ્રિજ બન્યા બાદ એરપોર્ટ સુધી જવુ સરળ બની જશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં આ બ્રિજ સાબરમતી પાવર હાઉસથી હનુમાન કેમ્પ સુધી બનશે. જેના પગલે એરપોર્ટ પહોંચવું સરળ થઈ જશે. હાલ સાબરમતીના રહીશોને એરપોર્ટ જવું હોય તો RTO અને સુભાષ બ્રિજ તેમજ ઈન્દિરા બ્રિજ થઈને જવું પડે છે. બ્રિજ બની ગયા પછી આ સમસ્યા નહીં રહે. રિવરફ્રન્ટ ફેઝ 2ની કામગીરીમાં આ બ્રિજ બનાવવામાં આવશે. બ્રિજની ડિઝાઈન રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે.ડિઝાઈન પાસ થઈ ગયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રૂપિયા 225 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સાબરમતી નદી પર 9 બ્રિજ છે અને એક ફૂટઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ત્યારે વધુ એક બ્રિજ બનશે તો લોકોને સરળતા રહેશે.