પૂર્વીય લદ્દાખમાં એલએસી પર ભારત-ચીનના જવાનો વચ્ચે ફરીથી અથડામણ
દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદના નિરાકરણ માટે બંને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ સરહદ ઉપર બંને દેશ દ્વારા સેનાના જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. દરમિયાન પૂર્વીય લદ્દાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ એટલે કે એલએસી પર ફરી એકવાર ભારત અને ચીનના જવાનો વચ્ચે અથડામણ થઈ હોવાનું જાણવા મળે છે. જેમાં ભારતના ચાર અને ચીનના 20 જવાનો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરહદ ઉપર ભારતીય અને ચીન દ્વારા જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. દરમિયાન ચીન સેના દ્વારા એલએસીની યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચીન આર્મીના જવાનો ભારતીય વિસ્તારમાં આગળ વધી રહ્યાં હતા. ત્યારે ભારતીય સેનાએ તેમને અટકાવ્યાં હતા. આ દરમિયાન તકરાર થતા બંને દેશના જવાનો સામ-સામે આવી ગયા હતા અને અથડામણ થઈ હતી. આ બનાવમાં ચાર ભારતીય જવાનો ઈજાગ્રસ્ત થયાં છે. જ્યારે ચીનના 20 જેટલા જવાનો ઘાયલ થયાં હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરહદ વિવાદને લઈને બંને સેનાઓના અધિકારીઓ વચ્ચે બેઠકનો દોર ચાલી રહ્યો છે. તેમજ છતા હજુ સુધી કોઈ ચોક્કસ નિકાલ આવ્યો નથી. બીજી તરફ ચીન આર્મી દ્વારા સરહદ ઉપર અવરચંડાઈ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ભારતીય આર્મી પણ ચીનના જવાનોને તેમની ભાષામાં જવાબ આપવા સક્ષમ છે અને તેમની ભાષામાં જ તેમને જવાબ આપી રહ્યાં છે.