- સવારે 9.30 કલાકે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો
- કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 59 કિમી દુર નોંધાયું
- ભૂકંપમાં સદનસીબે કોઈ જાનહાની કે નુકશાન થયું નથી
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં આજે સવારે ફરી એકવાર ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.કચ્છમાં સવારે લગભગ 9.30 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તિવ્રતા રિકટર સ્કેલ ઉપર 4.1ની નોંધાઈ હતી. જ્યારે કેન્દ્રબિંદુ ધોળાવીરાથી નજીક નોંધાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં આજે સવારે ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 59 કિમી દુર નોંધાયં હતું. ભૂકંપની તિવ્રતા વધારે નહીં હોવાથી સદનસીબે આ આચંકામાં કોઈ જાનહાની કે નુકશાન થયું નથી. કચ્છમાં 2001માં આવેલા વિનાશક ભૂકંપને હજુ લોકો ભૂલી શક્યાં નથી. ત્યારે વારંવાર કચ્છમાં ભૂકંપના આંચકા આવતા જ રહે છે, જે 2001ની ઘટનાને ભુલવા નથી દેતી.
કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન અનુસાર આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકાનો અનુભવાય છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ નોધાય છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા આવે છે.