પાકિસ્તાનમાં વધુ એક આતંકી દાઉદ મલિક ઠાર મરાયો, અજાણ્યા હુમલાખોરોએ ગોળીઓથી વિંધ્યો
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં બેઠા બેઠા ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપતા ત્રાવસાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસુદ અઝહરના ખુબ નજીક મનાતા દાઉદ મલિકની અજાણ્યા હુમલાખોરોએ પાકિસ્તાનમાં ગોળીમારીને હત્યા કરી છે. દાઉદ મલિકને પાકિસ્તાનના ઉત્તરી વઝીરીસ્તાનમાં ઠાર મરાયો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર જૈશ-એ-મોહમ્મદના ચીફ મસુદ અઝહરનો ખાસ મનાતો દાઉલ મલિક અન્ય આતંકવાદી સંગઠન લશ્કર-એ-ઝબ્બર અને લશ્કર-આઈ-જાંગવી સાથે જોડાયેલો હતો. યુપીએ હેઠળ ભારતે મસુદ અઝહર, હાફિઝ સઈદ, લખવી અને દાઉદ અબ્રાહિમને આતંકવાદી જાહેર કર્યા હતા. જેમાં દાઉદ લતિફનો પણ સમાવેશ થયો હોવાનું જાણવા મળે છે. ભારતમાં પુલવામા હુમલા બાદ ભારતીય સેનાએ બાલાકોટ એર સ્ટ્રાઈક કરી હતી ત્યારે દાઉદની ઉપસ્થિતિ ત્યાં જ હોવાનું બહાર આવ્યું હતું. જો કે, ભારતીય સેનાની કાર્યવાહીમાં તે બચી ગયો હતો અને ફરાર થઈ ગયો હતો. મસુદ સહિતના આતંકવાદીઓ આઈએસઆઈની દેખરેખ હેઠળ હાલ રહી રહ્યાં છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ આતંકવાદી સંગઠનનો આતંકવાદીઓને અજાણ્યા શખ્સો નિશાન બનાવી રહ્યાં છે. જેથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ સહિતની વિવિધ એજન્સીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. એટલું જ નહીં મસુદ અઝહર, હાફિઝ સઈદના આતંકવાદીઓને બચાવવા માટે હવાતીયા મારી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ હાફિઝ સઈદના નજીકના અબુ કાસિમની રાવલકોટ, ઝહુર મિસ્ત્રી, બશીર પીર ઉર્ફે ઈમ્તિયાઝની રાવલપીંડિ અજાણ્યા શખ્સોએ ગોળીમારીને ઠાર માર્યા હતા. આવી ઘટનાઓની પાછળ ભારતનો હાથ હોવાનો પાકિસ્તાન સતત આક્ષેપ કરી રહ્યાં છે.