નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને મમતા બેનર્જી, કેસીઆર અને નીતિશ કુમાર વિપક્ષને એક કરવા માટે દેશના વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યાં છે. આ નેતાઓ કોંગ્રેસને સાઈડમાં કરીને વિપક્ષને એકત્ર કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન દેશમાં કોંગ્રેસની ભૂમિકા વિનાનો બીજો મોરચો અશક્ય હોવાનો દાવો કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું. કોંગ્રેસને આગળ રાખ્યા વગર વિપક્ષી એકતા શક્ય નહીં હોવાનું પણ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે જેઓ કોંગ્રેસ વિના મોરચો બનાવવાની યોજના બનાવી રહ્યા છે તેઓ માત્ર ‘હવાઈ કિલા’ બનાવી રહ્યા છે.
કોઈનું નામ લીધા વિના જયરામ રમેશે કહ્યું કે, ઘણા પ્રાદેશિક પક્ષો તેમના સ્વાર્થ માટે કોંગ્રેસની પીઠમાં ખંજર ભોંકી ચૂક્યા છે. તેઓ કોંગ્રેસને પંચિંગ બેગ સમજી રહ્યા છે. કોંગ્રેસ વગર કોઈ પણ બિન-ભાજપ ગઠબંધન પાંચ વર્ષ માટે સ્થિર સરકાર આપી શકે નહીં. કોંગ્રેસને અલગ કરીને વિપક્ષની એકતા ક્યારેય શક્ય નથી.
આ પહેલા આમ આદમી પાર્ટી અને ટીએમસીએ પણ કોંગ્રેસને લીડ રોલમાં રાખવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આ બંને પક્ષોએ અનેક મુદ્દાઓને ટાંકીને કોંગ્રેસનું નેતૃત્વ સ્વીકાર્યું ન હતું. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, અમે પહેલા કહ્યું છે કે આમ આદમી પાર્ટી બીજેપીની બી ટીમ છે. ઈતિહાસ પર નજર નાખશો તો તમે જાતે જ જાણી શકશો. ટીએમસી વિશે કંઈ ન કહી શકું પરંતુ મને લાગે છે કે તેમના નામમાં કોંગ્રેસ પણ છે.
દેશમાં વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણી તથા વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું સતત ધોવાણ થયું છે. હાલ ગણતરીના રાજ્યોમાં જ કોંગ્રેસની સરકાર છે. બીજી તરફ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસને ફરીથી મજબુત કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસને ફરીથી જીવતી કરવા માટે રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. રાહુલ ગાંધીની આ યાત્રાથી કોંગ્રેસને ફાયદો થવાની શકયતાઓ રાજકીય તજજ્ઞોએ વ્યક્ત કરી છે.