Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટના, બડગામમાં ટીવી કલાકારની ગોળી મારી હત્યા કરાઈ

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં વધારો થયો છે. રાહુલ ભટ્ટ નામના કાશ્મીરી પંડિતની આતંકવાદીઓએ ઓફિસમાં ઘુસીને ગોળીમારીને હત્યા કરવાની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યારે હવે આતંકવાદીઓએ ટીવી અભિનેત્રી ઉપર ગોળીબાર કરીને તેની હત્યા કરી હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં તેનો 10 વર્ષનો ભત્રીજો પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ બડગામના ચદૂરા વિસ્તારમાં અમરીન ભટ નામની મહિલા અભિનેત્રીના ઘર પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં મહિલાને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટ લી જવી હતી. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. અમરીનનો 10 વર્ષનો ભત્રીજો જે તે સમયે ઘરે હતો તે પણ હુમલામાં ઘાયલ થયો હતો. તેને હાથમાં ગોળી વાગતા સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે કહ્યું કે, ‘આ જઘન્ય અપરાધમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ સામેલ હોવાનું ખૂલ્યું છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ પહેલા શ્રીનગરના સૌરા વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ કોન્સ્ટેબલને તેમના ઘરની બહાર ગોળી મારી દીધી હતી. આ દરમિયાન તેમની સાત વર્ષની પુત્રીને પણ ઈજા થઈ હતી. આતંકવાદીઓએ કોન્સ્ટેબલ સૈફુલ્લાહ કાદરી પર ગોળીબાર કર્યો જ્યારે તેઓ પોતાની દીકરીને ટ્યુશનમાં મૂકવા જઈ રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં વધારો થતા બિન-કાશ્મીરી અને કાશ્મીરી પંડિતોમાં ભય ફેલાયો છે. તેમજ આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.