- આતંકવાદી હુમલામાં એક વ્યક્તિને ઈજા
- સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો
- આતંકવાદીઓની શોધખોળ શરૂ કરાઈ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ સક્રિય થયા હોય તેમ ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ પરપ્રાંતિય શ્રમજીવીની આતંકવાદીઓએ હત્યા કરી હતી. આ ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં વધુ એક ટાર્ગેટ કિલીંગની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ શોપિયાંના છોટેપોરામાં સફરજનના બગીચામાં કાશ્મીરી પંડિતની ગોળીમારીને હત્યા કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓએ સુશીલ કુમાર ભટ્ટ નામના કાશ્મીરી પંડિતની ગોળીમારીને હત્યા કરી હતી. આ હુમલામાં મૃતકના ભાઈને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા.
આતંકવાદીઓએ છોટેપોરા વિસ્તારમાં સફરજનના બાગમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં સુનીલ કુમારનું કરૂણ મોત થયું હતું. જ્યારે તેમના ભાઈને ગંભીર ઈજા થઈ હતી. આતંકવાદીઓએ હુમલો કર્યાં પહેલા કાશ્મીરી પંડિતોના નામ પૂછ્યાં હતા. જે બાદ ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે સુરક્ષા એજન્સીઓ વધારે સતર્ક બની છે. તેમજ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને આતંકવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. દરમિયાન ટાર્ગેટ કિલીંગની ઘટનામાં વધુ એક નિર્દોષ નાગરિકનું મોત થતા કાશ્મીરી પંડિતોમાં રોષ ફેલાયો છે. તેમજ આતંકવાદીઓને ઠાર મારવા માટે માંગણી કરવામાં આવી છે.