બંગાળમાં મમતા બેનર્જીની મુશ્કેલી વધી, વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું
દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેથી ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન મમતા બેનર્જીની સરકારના મંત્રી શુવેન્દુ અધિકારીએ તાજેતરમાં જ તૃણમુલ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. ત્યારે હવે ફરી એક વાર મમતા બેનર્જીમાં મુશ્કેલીમાં વધારો થયો છે. સરકારના વધુ એક મંત્રીએ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બંગાળના ખેલ રાજ્યમંત્રી અને પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આજે હાવડાના ટીએમસી જિલ્લા પ્રમુખ પદેથી રાજીનામું પણ આપ્યું હતું. જોકે લક્ષ્મી રત્ન હજી પણ તૃણમૂલ કોંગ્રેસના વિધાયક છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. તેમજ આ ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામે તેવી શકયતા છે. તેમજ બંને એક બીજા ઉપર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યાં છે. બીજી તરફ ભાજપને સત્તામાંથી દૂર રાખવા માટે કોંગ્રેસ અને ડાબેરીઓ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. આમ પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.