પાકિસ્તાનમાં બે હિંદુ કિશોરીઓના અપહરણ અને બળજબરીથી ધર્માંતરણના મુદ્દે ચાલી રહેલા ધમાસાણ વચ્ચે વધુ એક આવા અહેવાલ સામે આવ્યા છે. પાકિસ્તાનમાં વધુ એક હિંદુ કિશોરીને કિડનેપ કરીને તેનું બળજબરીથી ધર્માંતરણ કરવાની નવી ઘટના સામે આવી છે.
પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સિંધ પ્રાંતના મીરપુરખાસની વતની હિંદુ કિશોરી શાનિયાનું અપહણર કરવામાં આવ્યું છે અને તેનું બળજબરીથી ધર્માંતરણ કરાવવામાં આવ્યું છે. શાનિયા પણ સગીર છે.
આના પહેલા ભારતે રવિવારે કડક વલણ દર્શાવતા પાકિસ્તાનની સાથે સિંધ પ્રાંતમાં બે હિંદુ કિશોરીઓના અપહરણ અને તેમના બળજબરીથી ઈસ્લામ અંગિકાર કરાવવાનો મામલો ઉઠાવ્યો હતો. આ મામલાને લઈને ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના માહિતી તથા પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરી વચ્ચે ટ્વિટર પર જુબાની જંગ પણ થયો હતો.
સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે ભારતે પાકિસ્તાનને એક નોટ વર્બલ જાહેર કરીને આ મુદ્દા પર પોતાની ચિંતાઓની આપ-લે કરી છે. ભારતે પાડોશી દેશમાં લઘુમતી સમુદાયોના લોકોની સુરક્ષા અને કલ્યાણને પ્રોત્સાહીત કરવા માટે યોગ્ય ઉપચારાત્મક કાર્યવાહની હાકલ કરી છે. નોટ વર્બલ એક રાજદ્વારી કમ્યુનિકેશન હોય છે, તે કોઈ આવેદનપત્રથી વધારે ઔપચારીક છે. પરંતુ એક નોટ કરતા તે ઓછું ઔપચારીક છે. નોટ વર્બલ હસ્તાક્ષરિત હોતું નથી.
ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આ ઘટના સંદર્ભે મીડિયા રિપોર્ટને જોડીને ટ્વિટ કર્યું કે તેમણે પાકિસ્તાનમાં ભારતીય હાઈકમિશનર અજય બિસારીયા પાસે આ મામલા પર રિપોર્ટ મોકલવાનું કહ્યું છે. સુષ્મા સ્વરાજના ટ્વિટ પર પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરીએ કહ્યુ હતુ કે મેડમ, આ પાકિસ્તાનનો આંતરીક મામલો છે અને અમને અમારી લઘુમતી પણ સમાનરૂપથી પ્યારી છે.
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરીએ કહ્યુ હતુ કે આ ઈમરાન ખાનનું નવું પાકિસ્તાન છે. જ્યાં અમારા ઝંડાનો સફેદ રંગ અમને સૌને સમાનપણે પ્યારો છે. ઝંડાના સફેદ રંગથી ફવાદ ચૌધરીનો આશય પાકિસ્તાનની લઘુમતીઓ સંદર્ભે હતો. ચૌધરીની પ્રતક્રિયા પર સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે તેમણે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશનર પાસે માત્ર એક રિપોર્ટ માંગ્યો છે. તમારી ગભરાટ માટે આ પુરતું છે. આ માત્ર એટલું જ દર્શાવે છે કે તમે અપરાધબોધથી ગ્રસિત છો.
બંને કિશોરીઓના અપહરણની ઘટનાને કારણે પાકિસ્તાનમાં લઘુમતી હિંદુ સમુદાય આક્રોશિત છે. તેમણે વ્યાપક સ્તરે વિરોધ પ્રદર્શન કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા પાકિસ્તાની લઘુમતીઓને કરવામાં આવેલા વાયદાને પણ યાદ કરાવ્યો છે. ગત વર્ષ ઈમરાન ખાને ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યુ હતુ કે તેમની પાર્ટી પીટીઆઈ દેશના વિભિન્ન ધાર્મિક સમૂહોની હિફાજત કરવાનું કામ કરશે અને હિંદુ યુવતીઓના બળજબરીથી કરવામાં આવતા લગ્ન પર રોક લગાવવા માટે અસરકારક પગલા ઉઠાવશે.
સોશયલ મીડિયા પર પણ પાકિસ્તાનના હિંદુ સમુદાય પર અત્યાચારની આવી ઘટનાઓની ટીકા કરવામાં આવી છે. વકીલ અને સમાજીક કાર્યકર્તા જિબ્રાન નાસિરે આ ઘટનાનો એક વીડિયો શેયર કર્યો છે અને કહ્યુ છે કે આ બંને કિશોરીઓ સગીર છે. તેમણે 20મી માર્ચે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરની એક નકલ પણ દર્શાવી છે. તેમા કથિત બળજબરીથી ધર્માંતરણ અને નિકાહ માટે અપહરણ કર્યાની પણ ફરિયાદ છે. નાસિરે કહ્યુ છે કે સિંધ બાળવિવાહ નિરોધક કાયદા હેઠળ 18 વર્ષથી ઓછી વયનો વ્યક્તિ બાળક છે અને તેના લગ્ન કરી શકાય નહીં.
સ્થાનિક હિંદુ સમુદાયના નેતાઓનું કહેવું છે કે કિશોરીઓને કિડનેપ કરનારા આ વિસ્તારની કોહબાર અને મલિક જનજાતિઓના હતા. મામલામાં કિશોરીઓના ભાઈ શામનદાસે એફઆઈઆર દાખલકરાવી છે. તેના પ્રમાણે આરોપીઓનો કેટલાક સમય પહેલા કિશોરીઓના પિતા હરિદાસ મેઘવાર સાથે વિવાદ થયો તો. શામનદાસે કહ્યુ છે કે હોળીની પૂર્વસંધ્યા પર હથિયારોથી સજ્જ છ લોકો તેમના ઘરે પહોંચ્યા અને પરિવારના લોકને બંધક બનાવીને બંને બહેનોને કિડનેપ કરીને લઈ ગયા હતા.
બે હિંદુ કિશોરીઓના બળજબરીથી ધર્માંતરણને લઈને પેદા થયેલા વિવાદ વચ્ચે પાકિસ્તાન હિંદુ કાઉન્સિલના પ્રમુખ અને પીટીઆઈના સાંસદ રમેશકુમાર વંકવાનીએ બળજબરીથી ધર્માંતરણ વિરોધી બિલને સિંધની વિધાનસભામાં ફરીથી લાવીને તેને પારીત કરાવવાની માગણી કરી છે. આ બિલ 2016માં સિંધની વિધાનસભામાં સર્વસંમતિથી પારીત કરવામાં આવ્યું તું. પરંતુ કટ્ટરપંથીઓના દબાણમાં તેને પલટવામાં આવ્યું હતું. પીએમએલ-એફના નેતા નંદકુમાર ગોકલાનીએ કહ્યુ હતુ કે સરકારે બળજબરીથી ધર્માંતરણ વિરુદ્ધના કાયદાને તાત્કાલિક પારીત કરવો જોઈએ.
પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિ
સત્તાવાર આંકડા મુજબ, પાકિસ્તાનમાં 75 લાખ હિંદુઓ છે. હિંદુ પાકિસ્તાનમાં સૌથી મોટી લઘુમતી છે. જો કે પાકિસ્તાનના હિંદુ સમુદાય મુજબ, હિંદુઓની અહીં કુલ વસ્તી 90 લાખની છે. પાકિસ્તાનના મોટાભાગના હિંદુઓ સિંધ પ્રાંતમાં વસવાટ કરે છે.
પાકિસ્તાનના મીડિયા અહેવાલો મુજબ, પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઉમરકોટ જિલ્લામાં બળજબરીથી ધર્માંતણના લગભગ 25 મામલા દર મહીને સામે આવે છે. આ વિસ્તાર ઘણો પછાત છે અને અહીંની મોટાભાગની હિંદુ લઘુમતી અનુસૂચિત જાતિની છે. મોટાભાગના મામલાની ફરિયાદ પોલીસમાં નોંધવામાં પણ આવતી નથી.
એક પત્રકારે રવિવારે પાકિસ્તાનની નોબલ શાંતિ પુરષ્કાર વિજેતા સામાજિક કાર્યકર્તા મલાલા યૂસુફજઈને પાકિસ્તાનમાં બે હિંદુ કિશોરીના અપહરણ, બળજબરીથી ધર્માંતરણ અને નિકાહના મામલામાં અવાજ ઉઠાવવાનો અનુરોધ કર્યો છે. પત્રકારે ટ્વિટ કર્યું હતુ કે પ્રિય મલાલા, જ્યારે તમે તમારી વ્યસ્ત દિનચર્ચામાંથી થોડાક મુક્ત હોવ, ત્યારે મહેરબાની કરીને રવીના અને રીના જેવી યુવતીઓ માટે અવાજ ઉઠાવો, તે બળજબરીથી ધર્માંતરીત થાય છે અને બળાત્કારની પ્રતીક્ષા કરી રહેલા પુરુષો સાથે નિકાહ કરે છે. તેમના પિતાનું નિસહાય રુદન સાંભળો અને પાકિસ્તાનની સેના પર સવાલ કરવાની હિંમત કરો.