ભોપાલઃ દેશમાં પ્રથમવાર મધ્યપ્રદેશમાં એમબીબીએસનો અભ્યાસક્રમ હિન્દી ભાષામાં શરૂ કરવામાં આવ્યો છે. તેમજ આગામી દિવસોમાં દેશના વિવિધ રાજ્યોમાં વિવિધ ભાષામાં અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. મધ્યપ્રદેશમાં પ્રથમવાર એમબીબીએસનો અભ્યાસક્રમ કરવાની સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એક મેડિકલ ઓફિસરે હિન્દીમાં દવાના નામ લખવાની પહેલ શરૂ કરી છે. એટલું જ નહીં આરએક્સની જગ્યાએ તબીબે શ્રી હરિ લખીને હિન્દીમાં દવાના નામ લખ્યાં છે. તબીબના પગલાથી અન્ય તબીબો પણ હિન્દીમાં દવાનું નામ લખવાની શરૂ કરે તેવી આશા છે.
સતના જિલ્લાના કોટર સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તૈનાત મેડિકલ ઓફિસર ડૉ. સર્વેશ સિંહે હિન્દીમાં લખેલું દવાનું કાગળ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દવાઓના નામ હિન્દીમાં લખવામાં આવ્યા હતા અને શરૂઆતમાં શ્રીહરિ લખવામાં આવ્યા હતા. મેડિકલ ઓફિસરે દવાના કાગળમાં દર્દીનું નામ, દવાઓનું નામ અને ઉપર શ્રી હરિ શુદ્ધ હિન્દી ભાષામાં લખ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની આ અનોખી પહેલને લોકોએ આવકારી છે.
મધ્યપ્રદેશમાં હિન્દીને પ્રોત્સાહન આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. એન્જિનિયરિંગ અને મેડિકલનો અભ્યાસ હિન્દીમાં કરાવનારું પ્રથમ રાજ્ય બન્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા મેડિકલ કોર્સના હિન્દી પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ અંગે એક દિવસ પહેલા શનિવારે એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર દવાઓના નામ હિન્દીમાં કેમ લખી શકાય નહીં. આમાં શું સમસ્યા છે? તેમણે કહ્યું કે જો દવાનું નામ ક્રોસિન લખવામાં આવે તો હિન્દીમાં પણ ક્રોસિન લખી શકાય. તેમાં શું સમસ્યા છે? ઉપર શ્રી હરિ અને નીચે ક્રોસિન લખો.
દરમિયાન સતના જિલ્લાના કોટર સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તૈનાત મેડિકલ ઓફિસર ડૉ. સર્વેશ સિંહે સીએમની અપીલને પગલે હિન્દીમાં દવાનું નામ લખવાનું શરૂ કર્યું ડો.સર્વેશે કહ્યું કે મેં આજથી જ આની શરૂઆત કરી છે. રશ્મિ સિંહને પેટમાં દુખાવો થતો હતો, તે પહેલી દર્દી હતી જે પીએચસીમાં સારવાર માટે આવી હતી.