અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં વૃદ્ધની ઘાતકી હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. સાબરમતીના અચેર ગામના ઠાકોરવાસમાં એક 63 વર્ષના વૃદ્ધના ગળે છરી મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મૃતકની પત્નીએ નોંધાવેલી ફરિયાદ મુજબ પતિની સોનાની ચેન, મોબાઈલ અને બાઈક ગુમ હોવાનું જણાવ્યું છે. જેથી લૂંટના ઈરાદે હત્યા થયાનું મનાઈ ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય તપાસ કરતા સમલૈંગિક સંબંધોમાં હત્યા થયાનું મનાઈ રહ્યું છે. જો કે, હત્યાનું ચોક્કસ કારણ તો આરોપીઓ ઝડપાયા બાદ જ સામે આવશે. પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચાંદખેડના ધરતીનગર બંગ્લોઝમાં રહેતા 55 વર્ષીય ગીતાબેન રાવતે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તેમના 63 વર્ષના પતિ દેવેન્દ્ર પ્રસાદ મોતીલાલ રાવત અગાઉ સહારા ઇન્ડિયામાં નોકરી કરતા હતા. નિવૃત્તી બાદ પતિ-પત્ની ચાંદખેડા વિસ્તારમાં રહેતા હતા. તેમના પતિ દેવેન્દ્ર પ્રસાદ ઉપર એક છોકરાનો ફોન આવતાં તેઓ તેની સાથે ગયા હતા. વટવાના આ છોકરાને બોનસ આપવાનું કહીને વૃદ્ધ ઘરેથી નીકળ્યાં હતા. રાતના આઠ વાગ્યા સુધી દેવેન્દ્ર પ્રસાદ ઘરે પરત ના ફરતાં તેમના ભત્રીજા મનોજભાઇને જાણ કરતાં તેને રાતે એક વાગે અચેર ગામના ઠાકોરવાસમાં આવેલા દેવેન્દ્ર પ્રસાદના બીજા ઘરમાં તપાસ કરતાં તેમની લોહીથી લથપથ લાશ જોતાં તેમણે ગીતાબેનને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ કંન્ટ્રોલ રૂમને જાણ કરતાં સાબરમતી પોલીસ તેમજ સેકટર-1 સંયુકત પોલીસ કમિશ્નર રાજેન્દ્ર અસારી , ડીસીપી ઝોન-2 વિજય પટેલ તેમજ ક્રાઇમબ્રાંચના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા. પોલીસે તપાસ કરતાં દેવેન્દ્ર પ્રસાદના ગળાના ભાગે છરીનો એક જ ઘા મારીને તેમની હત્યા કરવામા આવી છે. આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે દેવેન્દ્ર પ્રસાદના સમલૈગીંક સંબંધોના કારણે હત્યા થઇ છે.