ગુજરાતીઓ-સૌરાષ્ટ્રવાસીઓ દેશ-દુનિયામાં ફેલાયા છે. વર્ષોથી વેપાર અર્થે એમણે સાગર ખેડ્યો અને પહાડ ભેદ્યા છે. પરંતુ એક સમુહ-એક વર્ગ એવો છે જે એક હજાર વર્ષ પહેલાં પોતાનાં કૂળ-મૂળ બચાવવા માટે વતન છોડીને હજારો માઈલ છેટે જઈને વસ્યો. પણ પોતાની ઓળખ એમણે ગુમાવી નહીં. ચેન્નઈ, મદુરાઈ કે બેંગ્લોરમાં એવા લોકો વસે છે જેઓ સૌરાષ્ટ્રીયન બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. હવે તેઓ પોતાના મૂળ તરફ પરત આવી રહ્યા છે. “…પછી તો મહંમદ ગઝનીના સૈનિકોના શરીરમાં જાણે અસૂર પ્રવેશ થયો. બહેનો અને બાળકોને પણ મૂક્યાં નહીં. લોહી તરસી એમની તલવારો પ્રભાસ પાટણના નિર્દોષ, નિઃશસ્ત્ર રહેવાસીઓના ગળાં પર ઘાતક રીતે ફરવા લાગી. સંપત્તિ લૂંટવા આવેલા એ દળકટક સંસ્કૃતિને પણ ધ્વસ્ત કરવા બેતાબ હતા અને અહીંના લોકોની સંતતિને પણ રોળી રહ્યા હતા. સોમનાથ પર આક્રમણ કરવાની સાથે જ એમણે નરસંહાર આદર્યો અને આપણે ત્યાંથી હજારો લોકો,સેંકડો પરિવાર અહીં જે હતું તે અહીં જ છોડીને નાસવા લાગ્યા.ગઝની અને એ પછીના આક્રમણો વખતે પ્રભાસક્ષેત્ર કે પ્રભાસ પાટણ-સોમનાથથી આવી રીતે હજારો લોકો સ્થળાંતર કરીને જતા રહ્યા હતા. લગભગ એક હજાર વર્ષ સુધી વતનની સાથે, પોતાની ધરતી સાથે એમનો કોઈ જીવંત સંપર્ક નહીં. કોણ જાણે ક્યાં જતા રહ્યા એ લોકો… “
કોઈ ઐતિહાસિક નવલકથાનો અંશ હોય એવું લાગે. સારા દિગ્દર્શકને તો આમાં સરસ વેબ સિરિઝનો પ્લોટ પણ દેખાય. પરંતુ આપણો તો પ્રશ્ન એ છે કે, ક્યાં જતા રહ્યા એ લોકો ? કોઈ એમનું સરનામું આપે અને કહે કે, એ તો એ…..યને વસે છે ત્યાં દૂર ચેન્નઈમાં કે મદુરાઈમાં. તો માનવામાં આવે, દક્ષિણના આવાં કોઈ શહેરમાં કોઈ કાર્યક્રમ, કોઈ સ્નેહમિલન ચાલી રહ્યું છે, એમાં વાતો થઈ રહી છેઃ ક્યાં ભણે છે દીકરો ? સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં… અરે વાહ સરસ. તમે પછી આપણી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની મિટીંગમાં દેખાયા નહીં… આવી વાતો થતી હોય એમાં સૌરાષ્ટ્ર-સોરાષ્ટ્ર શબ્દ વારંવાર આવે પરંતુ જો એની ભાષા દક્ષિણ ભારતની હોય તો નવાઈ લાગે ને ! બોલીનો લહેકો થોડો સૌરાષ્ટ્રનો, સંસ્થાઓના નામની આગળ પણ સૌરાષ્ટ્ર અને વાતનું માધ્યમ દક્ષિણની ભાષા. ક્યાં એ સાઉથનું સ્ટેટ અને ક્યાં આ સૌરાષ્ટ્ર ? પરંતુ આવી દલીલમાં આગળ વધવા જેવું નથી કારણ કે, ખોટા આપણે જ પડીએ. સાચી વાત એ છે કે, સૌરાષ્ટ્રથી સેંકડો માઈલ દૂર, એક અલગ જ પ્રદેશમાં બીજું એક સૌરાષ્ટ્ર જીવી રહ્યું છે. શાસ્ત્રો, પુરાણો કે ગ્રંથોમાં જેને સૂર્યરાષ્ટ્ર, સૂરરાષ્ટ્ર, સુરાષ્ટ્ર કે સોરઠ કહેવાયું છે એ સૌરાષ્ટ્ર તામિલનાડુમાં ધબકે છે.
થોડા દાયકા કે એકાદી સદી પહેલાં વેપાર અર્થે અહીંથી મદ્રાસ પહોંચીને વસી જનારા લોકોની આ વાત નથી. આ કહાની જુદી છે. આ એ સમુદાય છે જેમના મૂળિયાં સૌરાષ્ટ્રમાં-સોમનાથ, પ્રભાસ પાટણમાં છે. સદીઓથી તેઓ વસે છે દક્ષિણ ભારતમાં પરંતુ સૌરાષ્ટ્ર એમના હૈયે વસે છે. સૌરાષ્ટ્રમાંથી વિવિધ ધર્મની પ્રજાએ સ્થળાંતર કર્યાના તો અન્ય દાખલા હશે પરંતુ આટલા મોટા પાયે સામુહિક રીતે સ્થળાંતર કરનારો આ એક જ સમુદાય છે. આ લોકોની ઓળખ સૌરાષ્ટ્રીયન બ્રાહ્મણની છે અને મુખ્ય વ્યવસાય છે વણાટકામ-વીવીંગનો. એમનું એક નામ છે પટલુનકાર.
ઈસવીસન 1024માં મહંમદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કર્યું. જીવ બચાવવા આ સમુદાય નાસ્યો. કેટલાક સોમનાથથી દરિયાઈ માર્ગે સ્તંભતિર્થ એટલે કે કેમ્બે અને ભૃગુતિર્થ એટલે કે ભરુચ સુધી ગયા. તો કેટલાકે તો પગપાળા જ પ્રભાસ પાટણની એ પુરાણ પ્રસિદ્ધ, પાવન ધરતી છોડી દીધી. એ પછી ઈસ 1300માં અલ્લાઉદ્દીન ખીલજીએ આક્રમણ કર્યું ત્યારે પણ જે પરિવારો ત્યાં સોમનાથમાં બચ્યા હતા એ લોકો સુરત તરફ ગયા.
તામિલનાડુમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિની જ્યોત જલતી રાખનાર એડવોકેટ એસ. આર. શ્રીરામ શેખર આ આખી વાત વિસ્તૃત રીતે કરતાં કહે છે કે, અમે સોમનાથની આસપાસ રહેતા હતા. અમારું મૂળ કામ વીવીંગનું હતું. કપડાંની કારીગરીમાં અમારી માસ્ટરી હતી. મોગલ બાદશાહો-સુબાઓએ જે આક્રમણ કર્યાં તે એટલાં ભયાવહ હતા કે અમારે વતન છોડવું પડ્યું. એ સમયે એટલો નરસંહાર થયો હતો કે સોમનાથના દરિયા કિનારેથી કપાયેલા જનોઈના ટૂકડા મળ્યા એનું વજન અડધા ટન જેટલું હતું. 10 હજાર જેટલા લોકોના મૃત્યુ થયાં હતાં. લગભગ 5000 લોકોએ વતન છોડી દીધું.
અમારા વડવાઓ નિઃશસ્ત્ર હતા એટલે વતન છોડીને નીકળી ગયા. સૌરાષ્ટ્રમાંથી પહેલાં દેવગીરી એટલે કે હાલના દૌલતાબાદ ગયા. રાજા કર્ણદેવને ત્યાં યાદવોએ આશ્રય આપ્યો હતો. ત્યાં અમારા પુર્વજોને પણ આશરો આપ્યો. ચાલતા ચાલતા મહારાષ્ટ્ર અને પછી વિજયનગર સામ્રાજ્ય તરીકે ઓળખાતા રાજ્યમાં પહોંચ્યા. ત્યાં રાજા કૃષ્ણદેવરાયએ વસવાટની સગવડ કરી આપી. સૌરાષ્ટ્રથી ગયેલા પરિવારો ત્યાં સ્થાયી થવા લાગ્યા. પૂજારી, પુરોહિત, કપડાં બનાવનાર અને વેપાર કરનાર એમ ચાર મુખ્ય હિસ્સાઓમાં તેઓ વહેંચાઈ ગયા. થોડા લડવૈયાઓ પણ એમાં હતા. મહારાષ્ટ્રથી દક્ષિણમાં ગયા અને પછી તો તિરુનવેલી, સેલમ, બેંગ્લોર, મદુરાઈ, કાંજીપુરમ, પરમકુટિ, યમુનેશ્વરમ સહિતના વિસ્તારમાં ફેલાઈ ગયા. શ્રીરામ શેખર કહે છે, સૌરાષ્ટ્રના સોમનાથમાં બ્રાહ્મણોના અમારાં 65 ગૌત્ર હતાં એમાંથી અત્યારે 5 છે. બાકીના સાઇઠ ક્યાં ગયા, એ સવાલો જવાબ અમે છીએ. અમારા વડીલો અહીં આવીને વસ્યા.
એમનું મુખ્ય કામ વીવીંગનું. આ લોકો વણાટકામનો કસબ એમની સાથે લઈ ગયા હતા. કાંજીવરમ સાડી આજે પણ વખણાય છે અને એ સાડીનું કામ કરે છે એ સમુદાય એટલે આ સૌરાષ્ટ્રીયન બ્રાહ્મણો. પૌરાણિક સંદર્ભ તો એવો છે કે, આ મૂળ સૌરાષ્ટ્રના ગણાતા લોકો બ્રહ્માના માનસપુત્ર તંતુવર્ધન અને સૂર્યની માનસપુત્રી કુસુમાકેલીકાના વંશજ છે. ગિરનારા બ્રાહ્મણની સાથે એમનો સંબંધ છે. સો વર્ષ મહારાષ્ટ્રમાં રહ્યા પછી મદુરાઈના રાજાના નિમંત્રણથી આ સમૂહ તામિલનાડુમાં સ્થાયી થયો. આપણને થાય કે સો-બસો પરિવાર હવે ત્યાં હશે, શ્રી રામ શેખર કહે છે, સૌરાષ્ટ્રીયનની વસતી દક્ષિણ ભારતમાં 24 લાખ છે.
ઈ.સ. 1620ની એક ઘટના પણ નોંધપાત્ર છે. સૌરાષ્ટ્રીયન સમુદાય પોતાને બ્રાહ્મણ તરીકે ઓળખાવે એનો તામિલ બ્રાહ્મણોએ વિરોધ કર્યો. સૌરાષ્ટ્ર સમુદાયના બ્રાહ્મણો યજ્ઞોપવિત બદલાવીને પરત જતા હતા ત્યાં રાજાના સિપાહીઓએ એમને પકડીને રાણી મગ્નમ્મા પાસે રજૂ કર્યા. બન્ને પક્ષ વચ્ચે રાણીએ શાસ્ત્રાર્થ કરાવ્યો. આ સૌરાષ્ટ્રનો બ્રાહ્મણ સમુદાય છે એવો ચુકાદો તામ્રપત્ર પર લખી આપ્યો.
જો કે એ લોકો સંપૂર્ણપણે તો સૌરાષ્ટ્રના ન લાગે, સ્વાભાવિક રીતે આટલાં વર્ષો ત્યા રહ્યા હોય એટલે મૂળ ભાષા તો આપણી ન જ રહી હોય પરંતુ હજી પણ એમની બોલીમાં ‘આવો’ માટે ‘આવા’, ‘બેસો’ માટે ‘બસા’ એવા શબ્દો છે. આ પ્રજાતિની ચામડીનો રંગ દક્ષિણના મૂળ વતનીઓની જેમ કાળો નથી પરંતુ ઘઉંવર્ણો છે. જન્માષ્ટમી, નવરાત્રી કે દીવાળી આ લોકો અહીંની પરંપરા અનુસાર ઉજવે છે. છેલ્લા કેટલાક સમયથી થોડું પરિવર્તન આવ્યું છે છતાં આજે ય આમાંનાં 95 ટકા લોકો હજી શાકાહારી છે. હિન્દુત્વ એ લોકોએ કોઈ ઝુંબેશ તરીકે નહીં પરંતુ સંસ્કાર તરીકે જાળવી રાખ્યું છે. તામિલનાડુમાં સૌરાષ્ટ્રીયન કો-ઓપરેટિવ બેન્ક છે અને આપણી ચેમ્બર ઓફ કોમર્સ પણ સક્ષમ છે.
તામિલનાડુના વિવિધ ક્ષેત્રના જેને સેલિબ્રિટીઝ કહેવાય એવા અનેક લોકો આ મૂળ સૌરાષ્ટ્રના છે. એસ. એ. રામન, ટી.એન. રામનાથન બન્ને આઈ.એ.એસ છે. શ્યામસુંદર અને કિશોરકુમાર આઈ.પી.એસ. છે અને તેઓ પણ આ સમુદાયમાંથી છે. પાર્શ્વગાયક ટી.એમ. સુંદર રાજન, પી.વી. નરસિંહ ભારતી પણ સૌરાષ્ટ્રીય બ્રાહ્મણ સમુદાયમાંથી છે અને શંકુરામ નામના જાણીતા કવિ, એમ. વી. વેંકટરામન નામના ત્યાંના પ્રખ્યાત સાહિત્યકારના પારિવારિક મૂળ અહીં સૌરાષ્ટ્રમાં છે. આ યાદી તો ઘણી લાંબી છે જેમાં પદ્મશ્રી ડો. ચંદ્રશેખરનનો પણ સમાવેશ છે અને રાજનીતિ ક્ષેત્રે એ. જી. સુબરામન અને એમના પુત્ર એ જી એસ રામબાબુના નામ ત્યાં મોટાં છે.
શિક્ષણ, સ્થાપત્યકળા કે કોઈ પણ ક્ષેત્રમાં આ સમુદાયનું નોંધપાત્ર યોગદાન છે. થાંજાવુર પેઈન્ટીંગ આ લોકોની ખાસિયત છે. તામિલનાડુમાં લગભગ 1500 મંદિરો એવાં છે જે આ સૌરાષ્ટ્રીયન સમુદાયે બનાવ્યાં છે. હવે એવો પ્રશ્ન થાય છે ને કે, આવો સક્ષમ એક વર્ગ આટલા વર્ષો સુધી આપણી સાથે જોડાયો કેમ નહીં ? અને અત્યારે એ નાતો કેવો છે ? આમ તો એની પાછળ પણ રસપ્રદ વાત છે. સૌરાષ્ટ્રીયન બ્રાહ્મણોના મૂળ અહીં છે એ શોધવા માટે 2006માં એક પ્રતિનિધિમંડળ રાજકોટ આવ્યું. રાધા પરશુરામન, સરોજિની પરશુરામન, શ્રી દામોદરન વગેરે અહીં ભાભા ગેસ્ટહાઉસમાં રોકાયા. એમણે ગેસ્ટહાઉસના સંચાલકોને જ પૂછ્યું કે આ કામમાં અમને મદદ કોણ કરે? અમારે યુનિવર્સિટીનો સંપર્ક કરવો હોય તો ? અને એમણે કહ્યું કે વર્તમાન કુલપતિ ડો. કમલેશ જોશીપુરાના પત્ની આ પ્રકારના કામોમાં સક્રિય છે.
પ્રતિનિધિ મંડળે એમનો સંપર્ક કર્યો અને એક તંતુ જોડાયો. વર્ષોથી તૂટેલા એક નાતાનો સેતુ શરુ થયો. છેલ્લા એક દાયકા કરતાં વધારે સમયથી એમના સંપર્કમાં રહેલા ડો. કમલેશ અને ડો. ભાવના જોશીપુરા કહે છે, આપણને માનવામાં ન આવે એટલું આ સમાજનું ત્યાં વર્ચસ્વ છે. મદુરાઈના મીનાક્ષી મંદિરને વધારાની જમીન આ સૌરાષ્ટ્રીયન પાસેથી મળી છે. એ લોકો પોતાનો ઉચ્ચાર સોરાષ્ટ્રીયન કરે છે. વીવીંગ એમનું મુખ્ય કામ છે અને આજે પણ એમની માસ્ટરી એમાં જ છે. પોણા બસો વર્ષ પહેલાં મદુરાઈમાં સૌરાષ્ટ્ર હાઈસ્કુલની સ્થાપના થયેલી છે.
આપણી ભજન પરંપરા અને આ સોરાષ્ટ્રીયન સમુદાયના ભજન સાહિત્ય વચ્ચે પણ સામ્ય હોવાના સંશોધન થયાં છે. આપણા સોરાષ્ટ્રીયન બહેનો તામિલ બહેનોથી અલગ રીતે સાડી પહેરે છે. અપરિણીત બહેનો બંગાળની પદ્ધતિથી સાડી પહેરે છે જ્યારે પરણેલા બહેનો મરાઠી અસર મુજબ-કછોટા મારીને સાડી પહેરે છે. તામિલ લોકો આપણા આ લોકોને ‘ચેટ્ટી’ એટલે કે ‘શ્રેષ્ઠી’ કહે છે. લગ્ન-સગાઈ વખતે વેવાઈવેલાં એક બીજા સાથે પ્રશ્નોત્તરી કરીને જે ઓળખ આપે છે એમાં પણ સૌરાષ્ટ્ર ઝળકે છે. ત્યા ‘બોલ’ નામનો શબ્દ છે જેને આપણે પડ્યો બોલ ઝીલાયો એમ કહીએ છીએ.
સગાઈને ઘેટીવીડો અને લગ્નને હોરા કહેવાય છે. કન્યાપક્ષ મંડપમાં પૂછે છે, તમે કોણ છો ? ક્યાંથી આવો છો ? જવાબ મળે, ‘અમે તો સૌરાષ્ટ્રના વતની છીએ. દેવગીરી રહ્યા પછી અમે વિજયનગર સામ્રાજ્યમાં રહી મદુરાઈ આવ્યા છીએ.’ એક હજાર વર્ષથી વતનથી વિખૂટ પડી ગયેલો આ વર્ગ હવે છેલ્લા કેટલાક વર્ષથી અહીં પુનઃ જોડાવા પ્રયાસ કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એના માટે ખાસ પ્રયાસ કર્યા.
નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મદુરાઈમાં સૌરાષ્ટ્ર સંગમ કાર્યક્રમ યોજાયો હતો. એમણે આ સમુદાયને મૂળ તરફ પાછા વળવા અનુરોધ કર્યો હતો. એ પછી એ લોકો સૌરાષ્ટ્ર માટે ફરી વિચારતા થયા છે. આજે પણ વેપાર ઉદ્યોગમાં તેઓ ત્યાં આગળ છે અને વતન સાથે હ્રદયના સંબંધો બંધાય, આર્થિક કડી પણ મજબૂત બને એ માટે પ્રયત્નશીલ છે.
હા, એ વાત અલગ છે કે, સોરાષ્ટ્રીયન બ્રાહ્મણ તરીકે જાણીતા આ સમુહમાં દક્ષિણ ભારતના સ્થાનિક પક્ષોમાં પણ આગળ પડતું સ્થાન ધરાવતા અનેક આગેવાનો છે. 2009માં સૌરાષ્ટ્ર સંગમ યોજાયા પછી 2014, 2016, 2018-19માં પણ પ્રતિનિધિ મંડળોએ અહીંની મુલાકાત લીધી છે. મદ્રાસના સૌ પ્રથમ ગવર્નર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આ લોકોને સૌરાષ્ટ્ર સાથે જોડવાના પ્રયાસ કર્યા હતા. છેલ્લા પંદર વર્ષથી હવે નવી પેઢી પણ મૂળ તરફ પરત આવી રહી છે. સપ્ટેમ્બર 2021માં એક પ્રતિનિધિ મંડળે દ્વારકા, સોમનાથ સહિતના સ્થળોની યાત્રા કરી ત્યારે સ્થાનિક લોકો સાથે કેટલીક શાસ્ત્રોક્ત ચર્ચા કરી હતી.
વર્ષો પછી એમને પોતાનું વતન મળી રહ્યું છે, આ ધરતીને પોતાના છોરુ મળી રહ્યા છે. એમ કહી શકાય કે દક્ષિણના સમુદ્ર અને અરબ સાગર વચ્ચેનો સંસ્કૃતિ સેતુ સમયના પેટાળમમાંથી પુનઃ સપાટી પર આવી રહ્યો છે.