પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકવાદી હુમલો, તુર્બતમાં PNS સિદ્દીકી નેવલ એરબેઝ પર હુમલો
નવી દિલ્હીઃ પાકિસ્તાનના તુર્બતમાં PNS સિદ્દીકી નેવલ એરબેઝ પર આતંકી હુમલો થયો હતો. નેવી એરબેઝ પર હુમલામાં પાકિસ્તાની સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન બલૂચિસ્તાન-લિબરેશન-આર્મી (BLA) મજીદ બ્રિગેડે લીધી હતી. આતંકીઓ પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરી રહ્યાં છે. આ ક્ષેત્રના સંસાધનોનો ઉપયોગ કરવા માટે ચીન અને પાકિસ્તાન પર શોષણ કરવાનો આરોપ લગાવે છે. આ અચાનક હુમલા બાદ તુર્બતના જિલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલમાં ઈમરજન્સી લગાવી દીધી છે અને બધા ડોકટરોને તાત્કાલિક ફરજ પર રીપોર્ટ કરવા જણાવ્યું હતું.
તુર્બતમાં થયેલો હુમલો આ અઠવાડિયે બીજો અને BLA મજીદ બ્રિગેડ દ્વારા આ વર્ષે કરાયેલો ત્રીજો હુમલો છે. આ પહેલા 29 જાન્યુઆરીએ તેણે ગ્વાદરમાં મિલિટરી ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર માચ શહેરને નિશાન બનાવ્યું હતું. 20 માર્ચે, તેણે તુર્બત ખાતે પાકિસ્તાનના બીજા સૌથી મોટા નૌકાદળના એરબેઝ પર હુમલો કર્યો હતો.
ભારતમાં ભાંગફોળની પ્રવૃતિ માટે વર્ષોથી પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપવું આવ્યું છે. ભારતે યુએન સહિત અનેક મંચ ઉપર આતંકવાદ મામલે પાકિસ્તાનની પોલ ખોલી છે. પાકિસ્તાનમાં હાલ પણ અનેક આતંકવાદી કેમ્પ ધમધમી રહ્યાં છે. જો કે, આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન માટે હવે આતંકવાદ જ માથાનો દુખાવો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી અવાર-નવાર આતંકી હુમલાની ઘટનાઓ બને છે. બીજી તરફ ભારત ઉપરાંત અફઘાનિસ્તાન અને ઈરાન સાથે પણ પાકિસ્તાનના સંબંધ વધારે તંગ બન્યાં છે. તેમજ પાકિસ્તાનની અફઘાનિસ્તાન અને ઈરાન સરહદ ઉપર પણ હાલ બંને તરફથી માહોલ તંગ છે.