નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં દરરોજ આતંકી હુમલા થઈ રહ્યા છે. હવે ફરી એકવાર ગ્વાદરમાં આતંકીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં સાત વ્યક્તિના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ ગ્વાદરના સરાબંદમાં ફિશ હાર્બર જેટી પાસે રહેણાંક ક્વાર્ટર પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેના કારણે સૂતેલા સાત લોકોના મોત થયા હતા અને અન્ય એક ઘાયલ થયો હતો.
તાજેતરમાં સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ દ્વારા વાર્ષિક સુરક્ષા અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર 2023માં પાકિસ્તાનમાં 789 આતંકી હુમલા થયા છે. આ હુમલાઓમાં 1,524 લોકોના મોત થયા હતા અને 1,463 લોકો ઘાયલ થયા હતા.
આ પહેલા 20 માર્ચે પાકિસ્તાનના બલૂચિસ્તાનના ગ્વાદર પોર્ટ પર આતંકી હુમલાના સમાચાર સામે આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ગ્વાદર પોર્ટના ઓથોરિટી કોમ્પ્લેક્સમાં આઠ સશસ્ત્ર આતંકવાદીઓ બળજબરીથી ઘૂસ્યા હતા. આ પછી સ્થળ પર તેમના દ્વારા ફાયરિંગ અને બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.
મકરાન ડિવિઝનના કમિશનર સઈદ અહમદ ઉમરાનીએ કહ્યું કે, આ હુમલો પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવ્યો છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, લગભગ આઠ સશસ્ત્ર લોકો બળજબરીથી ગ્વાદર પોર્ટમાં ઘૂસ્યા હતા. આ સંકુલમાં પાકિસ્તાનના ચૂંટણી પંચ સહિત ઘણી સરકારી કચેરીઓ છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પહેલા ગોળીબાર અને પછી બોમ્બ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. આ પછી સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. પાકિસ્તાનના એક અખબારના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ કાર્યવાહીમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મીના આઠ હુમલાખોરો માર્યા ગયા છે. ગ્વાદરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ઝોહૈબ મોહસિને મીડિયાને જણાવ્યું હતું કે, જવાબી કાર્યવાહીમાં સાત હુમલાખોરો માર્યા ગયા હતા અને ત્યારપછી ગોળીબાર બંધ થઈ ગયો હતો.