અમદાવાદઃ ગુજરાતમાં આગામી મે મહિનામાં ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા યોજાય તેવી શકયતા છે. જીપીએસસી અને જીટીયુ બાદ હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધો-12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીઓ ઓનલાઈન ચકાસવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. શિક્ષણ બોર્ડ લગભગ ચારેક વર્ષથી ઓનલાઈન ચકાસણી માટેની સિસ્ટમ તૈયાર કરી રહ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહી ઑનલાઈન ચકાસવાનો નિર્ણય કર્યો છે. જેના કારણો ટ્રાન્સપોર્ટનો ખર્ચ બચશે. એટલું જ નહીં પરિણામમાં પણ પારદર્શિતા આવશે. હાલ ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગામી મે મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાય તેવી શકયતા છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઘટતા ધો-10 અને ધો-12ના વિદ્યાર્થીઓને હવે ઓનલાઈનની સાથે સ્કૂલમાં પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમજ આગામી દિવસોમાં ધો-9 અને ધો-11ના વર્ગો પણ શરૂ કરવામાં આવશે.
જીએસસીબીએ જણાવ્યું છે કે રેગ્યુલર ફી સાથે જ 21 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી બોર્ડની વેબસાઈટ પર આવેદનપત્ર ભરી શકાશે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત અને રિપિટર વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવા પડશે.