ગાંધીનગરઃ અમેરિકા સેટલ થવાની ઘેલશામાં કેનેડાથી ગેરકાયદે અમેરિકા જતા માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી થવાથી ગુજરાતી પરિવારના માસુમ બાળક સહિત ચારના મોત નિપજતા આ મામલે ગુજરાત સીઆઈડી ક્રાઈમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
કલોલ તાલુકાના ડીંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના કેનેડાથી ગેરકાયદે રીતે અમેરિકા જતા રસ્તામાં ભારે બરફ વર્ષામાં માઇનસ 35 ડિગ્રીના વાતાવરણમાં થીજી જવાથી મોત થવાની ઘટનામાં ગુજરાત પોલીસ વડાએ સીઆઈડી ક્રાઈમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી દીધી છે. તેમાં પ્રાથમિક તપાસ શરૂ થઈ ગઈ છે અને ગામના તલાટી પાસેથી મૃતકોના નામની મતદારયાદી વગેરે દસ્તાવેજો લઈ તપાસ આદરી છે.
સૂત્રના જણાવ્યા મુજબ કલોલના ડીંગુચા ગામના બળદેવભાઈ પટેલના પુત્ર જગદીશભાઈ, તેમની પત્ની વૈશાલી, પુત્રી ગોપી અને પુત્ર ધાર્મિક કેનેડા જવા માટે નીકળ્યા હતા અને ત્યાં પહોંચી ફોન કરવાનું કહ્યું હતું. જોકે ગેરકાયદે કેનેડાથી અમેરિકા જતી વખતે રસ્તામાં પોતાના ગ્રુપથી છૂટા પડી જતા જગદીશભાઈ અને તેમના પરિવારનું માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ભયંકર ઠંડીના કારણે થીજી જવાના કારણે મોત થયું હતું. દેશના વિદેશ મંત્રીએ પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી, જેના પગલે ભારત, કેનેડા અને અમેરિકાની તપાસ એજન્સીઓ સંયુક્ત તપાસ શરૂ કરી રહી છે. કેનેડા સરહદે પોલીસ દ્વારા ફ્લોરિડાના સ્ટીવ સેન્ડ નામના એજન્ટની અટકાયત કરી પૂછપરછ બાદ તેને શરતી જામીન અપાયાનું જાણવા મળ્યુ છે.
આ મામલે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ પરિવારને ગેરકાયદે વિદેશ મોકલવા માટે સંકળાયેલા લોકોની તપાસ કરવા માટે સમગ્ર બનાવની સીઆઇડી ક્રાઇમના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી છે, જેમાં ડીવાયએસપી સતીશ ચૌધરીની આગેવાનીમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસે મૃતકોના દસ્તાવેજો તલાટી પાસેથી મેળવી આ દિશામાં તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કેનેડા-અમેરિકા બોર્ડર પર ભારે હિમવર્ષાના કારણે માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં 4 લોકોનાં મોત થયાં હતાં ત્યારે મૃતકો કલોલ તાલુકાના ડીંગુચા ગામના હોવાની શક્યતા છે. જોકે આ અંગે હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. રાજ્ય પોલીસ વડાએ સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઈને સીઆઈડી ક્રાઇમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી દીધી છે. બીજી તરફ આ અંગે જગદીશ પટેલના પિતા બળદેવભાઈએ કહ્યું હતું કે, ‘સગાંસંબંધીઓ દ્વારા એમ્બેસીમાં સંપર્ક કરાયેલો છે, પરંતુ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. પુત્ર જગદીશ વિઝા લઈને જ ગયો હતો. આ અંગે વધુ પૂછપરછ પણ મેં કરી નથી. અમે ગામડે રહીએ છીએ અને જગદીશ તેના પરિવાર સાથે કલોલ રહેતો હતો.’