નવી દિલ્હીઃ રાયપુરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, દેશમાં નફરતનો માહોલ છે. સરકાર રેલ, જેલ, તેલ તમામ પોતાના મિત્રોને વેચી રહી છે. દિલ્હી સરકારમાં બેઠેલા લોકોના ડીએનએ ગરીબ વિરોધી છે.
પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા-કર્મચારીઓનો વિશ્વાસ જ મારી જીવનભરની કમાણી છે. આ કોંગ્રેસમાં જ શક્ય છે. જે બ્લોક કોંગ્રેસ કમિટીનો અધ્યક્ષ પાર્ટીનો અધ્યક્ષ બની શકે છે. આજે હું ભાવિક છું, હું અને તમે ગૌરવશાળી વિરાસતના સહભાગી બન્યાં છે. ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ, બોસ, આઝાદ, રાજેન્દ્ર પ્રસાદ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધીએ ત્યાગ અને બલિદાનથી પાર્ટીનું સિંચન કર્યું છે. રાયપુરમાં સવારે અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કર્યું હતું. કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ મુશ્કેલ યાત્રા પૂરી કરી છે. દેશ અને કોંગ્રેસ માટે હાલનો સમય પડકારોનો સમય છે. રાહુલ ગાંધી અંતિમ દિવસે અધિવેશનમાં સંબોધન કરશે. પાર્ટીએ અધિવેશનમાં પોતાના સંવિધાનમાં બદલાવ કર્યો છે.
સંગઠનમાં પદાધિકારીઓને આપવામાં આવેલી શક્તિઓના નિયમોમાં ફેરફાર કરાયો છે. મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સીડબલ્યુસીના આજીવન સભ્ય રહેશે. લોકસભા-વિધાનસભાની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો ઉપર 50 વર્ષથી ઓછી વયના નેતાઓને ટિકીટ અપાશે. દેશભરમાં આરક્ષિત લોકસભા સીટ પણ ચૂંટણી પહેલા નવી તથા યુવા લીડરશિપ તૈયાર કરવામાં આવશે.