Site icon Revoi.in

પાકિસ્તાનમાં અનવર ઉલ હક બનશે કેરટેકર પીએમ,શહબાઝ શરીફના રાજીનામા બાદ લેવાયો નિર્ણય

Social Share

દિલ્હી: પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી ભંગ હોવાની સાથે જ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. આ દરમિયાન નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નિવર્તમાન નેતા રાજા રિયાઝે કહ્યું કે અનવર-ઉલ-હક કાકર પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે.

પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, પીએમ શહેબાઝ અને નેશનલ એસેમ્બલીમાં નિવર્તમાન વિપક્ષના નેતા (એનએ) રાજા રિયાઝે રાષ્ટ્રપતિ અલ્વીને કાર્યપાલક વડા પ્રધાન તરીકે અનવર ઉલ હકની નિમણૂક અંગે સલાહ મોકલી છે. આ પહેલા રિયાઝે વડાપ્રધાનના આવાસની બહાર આ વાતની પુષ્ટિ કરી હતી.

આ પહેલા શહબાઝ શરીફે શુક્રવારે કહ્યું હતું કે, કાર્યવાહક વડાપ્રધાનના નામનો નિર્ણય શનિવાર સુધીમાં થઈ જશે. શરીફે કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ તેમને અને વિપક્ષના નેતા (રાજા રિયાઝ)ને 12 ઓગસ્ટ સુધીમાં કાર્યપાલક વડા પ્રધાન માટે નામ સૂચવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. શરીફે કહ્યું કે તે અને રાજા રિયાઝ શનિવાર સુધીમાં નામ ફાઈનલ કરશે. આખરી નિર્ણય લેતા પહેલા ગઠબંધન ભાગીદારોને આ બાબતે વિશ્વાસમાં લેવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

શહબાઝ શરીફ અને વિપક્ષી નેતા રિયાઝ બંનેને લખેલા પત્રમાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ જણાવ્યું કે કલમ 224A હેઠળ તેમણે નેશનલ એસેમ્બલીના વિસર્જનના ત્રણ દિવસની અંદર વચગાળાના વડા પ્રધાન માટે નામનો પ્રસ્તાવ મૂકવો પડશે.રાષ્ટ્રપતિ અલ્વીએ પત્રમાં કહ્યું છે કે પાકિસ્તાનના બંધારણના અનુચ્છેદ 224(1A)માં જોગવાઈ મુજબ વડાપ્રધાન અને વિપક્ષના નેતા 12 ઓગસ્ટ પહેલા કાર્યવાહક વડાપ્રધાનની નિમણૂક માટે યોગ્ય વ્યક્તિનો પ્રસ્તાવ મૂકી શકે છે. રાષ્ટ્રપતિના પત્ર પર પ્રતિક્રિયા આપતા શરીફે કહ્યું કે તેઓ પત્ર મેળવીને નિરાશ થયા છે.