દિલ્હીઃ તા.15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારતમાં સોનાનો સૂરજ ઉગ્યો હતો. ભારતે આ પવિત્ર દિવસે જ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી. દર વર્ષે ભારતમાં તા. 15મી ઓગસ્ટના રોજ ધામધૂમથી સ્વતંત્રતા પર્વની દેશ ભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવે છે. જ્યારે ભારતની જેમ દુનિયાના અન્ય દેશો પણ તા. 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા ઉજવે છે. આ દેશો પણ તા. 15મી ઓગસ્ટના રોજ આઝાદ થયાં હતા.
તા. 15મી ઓગસ્ટ 1945ના દિવસે દક્ષિણ કોરિયા આઝાદ થયું હતું. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા આ વર્ષે પણ સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરશે. કોરિયાએ યુએસ અને સોવિયત સંઘની સેનાની મદદથી આ દિવસે જાપાનમાંથી આઝાદી મેળવી હતી. આવી જ રીતે તા. 15મી ઓગસ્ટ 1971ના રોજ બહેરીન આઝાદ થયું હતું. બહેરીને બ્રિટન પાસેથી આઝાદી મેળવી હતી. બ્રિટેન વર્ષ 1960થી બહેરીનને મુક્ત કરવા માંગતું હતું. તા. 15મી ઓગસ્ટના રોજ બ્રિટને બહેરીન સાથે એક સંધી કરી હતી. જો કે, બહેરીન તા. 16મી ડિસેમ્બરે સ્વતંત્ર્ય દિવસ તરીકે ઉજવણી કરે છે.
મધ્ય આફ્રિકન દેશ કોંગો પણ તા. 15મી ઓગસ્ટ 1960ના રોજ આઝાદ થયું હતું. વર્ષ 1880થી ફ્રાન્સનો કોંગો ઉપર કબજો હતો. આ ઉપરાંત દુનિયાના નાના દેશો પૈકીના એક એવા લિકટંસ્ટીન પણ તા. 15મી ઓગસ્ટ 1866ના રોજ જર્મનીથી આઝાદ થયું હતું. આમ ભારત સહિત દુનિયાના અન્ય દેશો પણ તા. 15મી ઓગસ્ટના રોજ આઝાદ થયાં હતા.