Site icon Revoi.in

ઉપલેટા માર્કેટ યાર્ડમાં જગ્યા ન હોવાથી ખેતપેદાશો સપ્તાહ સુધી વેચવા ન લાવવા ખેડુતોને અપીલ

Social Share

રાજકોટઃ જિલ્લાના ઉપલેટામાં આવેલા ગાંધી માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી સહિતના પાકની આવક બંધ કરાઈ છે. માવઠાની આગાહીને પગલે યાર્ડમાં જણસની આવક બંધ કરાઈ છે. ઉપલેટા માર્કેટ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં કપાસ અને મગફળીની આવક થઈ રહી હતી. પણ હવે જણસ રાખવાની જગ્યા ન હોવાના કારણે નવી આવક બંધ કરવામાં આવી છે.

ધોરાજીના ગાંધી માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ જો વધુ આવક થાય અને ખેડૂતોની જણસ ખુલ્લામાં રાખવામાં આવે તો માવઠામાં પલળી જવાની ભીતિ રહેલી છે. જેથી માર્કેટ યાર્ડના સત્તાધીશોએ અગમચેતી દાખવી છે. સાથે જ ખેડૂતોને અપીલ કરી છે કે હાલ તેઓ મગફળી લઈને માર્કેટ યાર્ડમાં ન આવે. ખેડૂતો પોતાના ઘરે અથવા ગોડાઉનમાં પોતાનો પાક સાચવીને રાખે. યાર્ડમાં ખૂલ્લામાં જે ખેતી પાક પડ્યો છે, તેને કમોસમી વરસાદથી બચાવવા માટે ઢાકવામાં આવી રહ્યો છે. સરકારે પણ તમામ યાર્ડ સંચાલકોને સુચના આપી છે કે, માવઠુ પડવાની હવામાન વિભાગની આગાહી હોવાથી યાર્ડના ખૂલ્લામાં પડેલા ખરીફ પાકને બચાવવા માટે વ્યવસ્થા કરવામાં આવે. આથી યાર્ડ દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ખેડુતોને હાલ માલ વેચવા માટે ન લાવવા અપીલ કરવામાં આવી છે.

નોંધનીય છેકે હવામાન વિભાગે ત્રણ દિવસ રાજયમાં માવઠાની આગાહી કરી છે. ત્યારે રાજકોટમાં માવઠું પડે તો ખેડૂતની હાલત કફોડી બને તેવી શકયતા સેવાઇ રહી છે. માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળી ખુલ્લા મેદાનમાં રાખવામાં આવ્યા છે. જો આજે વરસાદ આવે તો કપાસ અને મગફળી પલળે તેવી સ્થિતિ ઉદભવી રહી છે. જેથી કપાસ અને મગફળી ન પલળે તે માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બન્યું છે.