ગિરનારના પર્વત પર પ્લાસ્ટિક ન ફેંકવા લોકોને અપીલ, પગથિયા પર ઠેર ઠેર ડસ્ટબિન મુકાયાં
જુનાગઢઃ ગરવા ગિરનારની યાત્રાએ જતાં યાત્રાળુઓ દ્વારા પ્લાસ્ટિકની થેલીઓ અને કચરો ફેંકીને ગંદકી કરવામાં આવતી હોય છે. ગિરનારના પગથિયાઓ પર પણ ગંદકી જોવા મળતી હોય છે. આથી ગિરનારની સફાઈના મુદ્દે હાઈકોર્ટમાં રિટ કરાયા બાદ કોર્ટે ગિરનારની સાચી પરિસ્થિતિનો ચીતાર મેળવવા માટે કોર્ટ કમિશનની નિમણુંક કરી હતી. આ કોર્ટ કમિશનર તાજેતરમાં ગિરનારની મુલાકાત લીધી હતી. તંત્રએ 100 જેટલા સફાઈ કામદારોને કામે લગાડીને ગિરનારને સ્વચ્છ-સુઘડ બનાવી દીધો છે. હવે તંત્ર દ્વારા ગિરનારના રસ્તાઓ પર કચરો કે પ્લાસ્ટિક ન ફેંકવા લોકોને અપીલ કરવામાં આવી છે. ગિરનારના રસ્તાઓ પર ઠેર ઠેર ડસ્ટબિન મુકવામાં આવ્યા છે.
ગિરનારની સ્વચ્છતાના મુદ્દે કોર્ટ કમિશનની મુલાકાત પહેલા છેલ્લા અઠવાડીયાથી દરરોજ ગીરનારની સીડી આસપાસ સફાઈ કરવામાં આવતી હતી. સોમવારે વહેલી સવારથી ઝુંબેશ આદરીને ગિરનારને પ્લાસ્ટીક મુકત કરી દેવાયો હતો. પહેલા ગિરનારના પગથિયા સહિત કયાંય સફાઈ કરવામાં આવતી ન હતી. પરંતુ માત્ર એનજીઓ દ્વારા ગિરનારની સફાઈ નિર્ભય હતી. આ અંગે હાઈકોર્ટના વકીલ અમીત પંચાલ દ્વારા પિટીશન થતા કોર્ટે તંત્રની ઝાટકણી કાઢી સફાઈનું વ્યવસ્થિત આયોજન કરવાનું ફરમાન કરી હાલ શું સ્થિતિ છે તે જાણવા માટે કોર્ટ કમિશનની નિમણુંક કરી હતી. કોર્ટ કમિશન દેવાંગી સોલંકીની મુલાકાત દરમિયાન કલેકટર, પ્રાંત અધિકારી, મ્યુનિ.ના અધિકારીઓ તેમજ વન વિભાગના અધિકારીઓ સાથે રહ્યા હતા. આ ટીમ રોપવે મારફત અંબાજી પહોંચી ત્યાંથી દત્તાત્રેય ટુંક સુધી પગપાળા પહોંચી ગિરનારની સીડી સહિતની સફાઈની વ્યવસ્થા નિહાળી હતી. સીડીના પગથિયા પર કચરા પેટીઓ ઠેર ઠેર મુકી દેવામાં આવી છે. છેલ્લા એક અઠવાડીયાથી 100 જેટલા સફાઈ કામદારોને કામે લગાડી કામગીરી કરવામાં આવી હતી. જેથી ગિરનાર ચોખ્ખોચણાક જોવા મળ્યો હતો. જેનો રીપોર્ટ હવે હાઈકોર્ટમાં રજુ કરાશે. આ રીપોર્ટના આધારે કોર્ટ શું નિર્ણય લેવામાં આવે છે. તે મહત્વનું રહેશે.
ગિરનારની સફાઈના મુદ્દે સરકારના એક પણ વિભાગ દ્વારા જવાબદારી લેવામાં આવતી નથી. જેના કારણે ગિરનારના રસ્તાઓ પર પ્લાસ્ટીક અને કચરો જોવા મળતો હતો.જો કે અમુક સેવાભાવી લોકો સમયાંતરે ગિરનારની સફાઈ કરી પ્લાસ્ટીક મુકત કરવા પ્રયાસો કરતા હતા. હવે મામલો હાઈકોર્ટમાં પહોચ્યા બાદ તંત્ર જાગૃત બન્યુ છે. અને લોકોને પણ ગિરનારના પગથિયા કે રસ્તાઓ પર કચરો ન ફેંકવાની અપીલ કરી છે.