અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણની પતંગપ્રેમીઓ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જો કે, કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણ પર પતંગ ચગાવવા પર રોક લગાવવાની માગ સાથે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. છે. હાઈકોર્ટે આ મુદ્દે સરકારને વલણ સ્પષ્ટ કરવા તાકીદ કરી છે. તેમજ વધુ સુનાવણી 8મી જાન્યુઆરી સુધી મુલત્વી રાખવામાં આવી છે. ઉતરાયણમાં પોલીસ દ્વારા ડ્રોનની મદદથી પેટ્રોલીંગ પણ માંગણી કરવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ અરજી કરવામાં આવી છે.
હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ચગાવવા ભેગા થાય છે. આ વર્ષે તો આ બે દિવસ પછી શનિ-રવિ પણ આવે છે એટલે લોકોને લાંબુ વીક-એન્ડ મળે છે. ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે લોકો દેશ-વિદેશથી આવે છે. ઉત્તરાયણને લઈ પતંગ અને દોરી ખરીદવા અને વેચવા માટે લોકો પતંગ બજારમાં ઉમટશે. આ સંજોગોમાં કોરોના વકરવાની સંભાવના વધશે. આ ઉપરાંત, સોસાયટીના જનરલ ધાબા પર લોકોને ભેગા થતાં રોકવા માટે પોલીસ ડ્રોનથી પેટ્રોલિંગ કરે. અત્યારથી કડક પગલા નહીં લેવાય તો, ઉત્તરાયણ બાદ, કોરોના વકરશે તો મેડિકલ કર્મચારીઓ પર ફરી ભારણ વધશે. હાઈકોર્ટમાં માંગણી કરવામાં આવી છે કે, રાજ્યમાં ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવવા ઉપર રોક લગાવવામાં આવે. પતંગ અને માંજાની ખરીદ-વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે. તા. 9થી 19મી સુધી પોલીસ દ્વારા ડ્રોનથી પેટ્રોલીંગ કરવામાં આવે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવામાં આવે.