નવી દિલ્હીઃ શિવસેનાનું નામ અને ચૂંટણી નિશાન મામલે ચૂંટણી પંચના નિર્ણય ઉપર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, અમે આદેશ ઉપર સ્ટે આપી નથી શકતા, આ પાર્ટીની અંદર એક અનુબંધાત્મક સંબંધ છે. ઉદ્ધવ ઠાકરેની અરજી પર સર્વોચ્ચ અદાલતે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ચૂંટણી પંચને નોટીસ આપી છે. તેમજ બે સપ્તાહમાં જવાબ આપવા નિર્દેશ કર્યો છે. બેંક ખાતા અને પ્રોપર્ટી ટેકઓવર કરવા ઉપર સ્ટે નથી અપાયો. સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી 3 સપ્તાહ બાદ યોજાશે.
શિવસેનાના ચૂંટણી નિશાન ઉપર ચૂંટમી પંચના નિર્ણયની સામે ઉદ્ધવ ઠાકરેની અરજી પર ત્રણ ન્યાયમૂર્તિની સ્પેશિયલ બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને ન્યાયમૂર્તિ જેબા પારડીવાલાની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. ચૂંટણીપંચના આદેશ ઉપર સ્ટેની માંગણી સાથે ઉદ્ધવ ઠાકરેએ અરજી કરી હતી. ચૂંટણીપંચે શિવસેના પાર્ટીની માન્યતા અને ચૂંટણી નિશાન એકનાથ શિંદે જૂથને આપ્યું હતું.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની સામે શિવસેનાના જ કેટલાક ધારાસભ્યોએ એકનાથ શિંદેની આગેવાનીમાં બળવો કર્યો હતો. જેથી મહાવિકાસ અઘાડી સરકારનું પતન થયું હતું. બીજી તરફ એકનાથ શિંદે જૂથે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી શિવસેનાના નામ અને નિશાન મામલે એકનાથ શિંદે જૂથ તથા ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે તકરાર ચાલી રહ્યો છે. દરમિયાન તાજેતરમાં જ ચૂંટણીપંચને શિવસેનાનું નામ અને નિશાન એકનાથ શિંદે જૂથને આપ્યું હતું. જેની સામે ઠાકરે જૂથે કોર્ટના દરવાજા ખખડાવ્યાં હતા.