Site icon Revoi.in

મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુંક સીબીઆઈ ચીફની જેમ કરવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ

Social Share

નવી દિલ્હીઃ ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણુંકને લઈને સુપ્રીમ કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સીઆઈબી ચીફની જેવી રીતે નિમણુંક કરાય છે તેવી જ રીતે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણુંક કરવા જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે, એક કમિટી બને જેમાં પીએમ, લોકસભાના વિપક્ષના નેતા અને ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા સામેલ હોય. આ કમિટી એક નામની ભલામણ રાષ્ટ્રપતિને કરે અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ મુખ્ય ચુંટણી કમિશનરની નિમણુંક કરવી જોઈએ. કોર્ટે વધુમાં નિર્દેશ કર્યો કે, લોકસભામાં વિપક્ષના નેતા ના હોય તો સૌથી મોટી પાર્ટીના નેતાને આ કમિટીમાં સામેલ કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટે આ આદેશ એવી અરજીઓ ઉપર કર્યો છે જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણુંક માટે કોલેજિયમ જેવી સિસ્ટમ બનાવવામાં માંગ કરાઈ હતી. આ આદેશ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ કેએમ જોસેફ, ન્યાયમૂર્તિ અજય રસ્તોગી, ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝ, ન્યાયમૂર્તિ હ્રષિકેશ રોય અને ન્યાયમૂર્તિ સીટી રવિકુમારની ખંડપીઠે આપ્યો હતો. ખંડપીઠે આ અરજીઓ ઉપરનો ચુકાદો 14મી નવેમ્બરના રોજ મુલત્વી રાખવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં રજૂઆત કરાઈ હતી કે, ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણુંક માટે કોલેજિયમ જેવી સિસ્ટમ હોવી જોઈએ. અરજદાર અનૂપ બરાંવલએ અરજી કરીને ચૂંટણી કમિશનરની નિમણુંક માટે કોલેજિયમ સિસ્ટમની માંગણી કરી હતી. તા. 23મી ઓક્ટોબર 2018ના રોજ આ મામલાની સુનાવણી પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠ સમક્ષ મોકલી દેવામાં આવ્યો હતો. ગત વર્ષે 19મી નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે પંજાબ કેડરના આઈએએસ ઓફિસર અરુણ ગોયલની ચુંટણી કમિશનર તરીકે નિમણુંક કરાઈ હતી. અરુણ ગોયલની નિમણુંક બાદ વિવાદ ઉભો થયો હતો. તેઓ 31મી ડિસેમ્બરના રોજ નિવૃત્ત થવાના હોવાથી તેમની પસંદગીને લઈને વિવાદ થયો હતો. દરમિયાન 18મી નવેમ્બરના રોજ તેમણે વીઆરએસ લઈ લીધો હતો અને બીજા જ દિવસે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુંક કરાઈ હતી. જે મુદ્દે સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે સવાલ ઉઠાવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ સવાલ ઉઠ્યાં હતા. આ નિમણુંકમાં કોઈ ગોલમાલના આક્ષેપ થયાં હતા. સરકાર તરફખી કોર્ટમાં ઉપસ્થિત રહેલા એટર્ની જનરલ વેંક્ટરમણીએ કહ્યું કે, બધુ 1991ના કાનુન હેઠળ થયું છે, અને હાલ એવી કોઈ સમસ્યા નથી કે અદાલતે તેમાં દખલગીરી કરવી જોઈએ.