અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી બાદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને પણ પ્રથમ મહિલા કુલપતિ મળ્યા છે. એલડી એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સિપાલ ડોકટર રાજુલ ગજ્જરની કુલપતિ તરીકે પસંદગી કરાઈ છે. ડો. રાજુલ ગજ્જર એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ છે. તેમજ વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે.
ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં મહિલા કુલપતિની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પ્રથમ મહિલા કુલપતિ તરીકે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો. રાજુલ ગજ્જરની નિમણૂંક કરવામાં આવી છે. ડો.રાજુલ ગજ્જર અગાઉ 1 જૂન 2016થી 30 ડિસેમ્બર 2016 સુધી GTUના ઇન્ચાર્જ કુલપતિ રહી ચૂક્યા છે. તે ઉપરાંત એપ્લાઇડ મિકેનિક્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર રહી ચૂક્યા છે. તેઓ આગામી 31 ઓક્ટોબરે ફરજ નિવૃત્ત થવાના હતા તે પહેલાં જ તેમની કુલપતિ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આમ જીટીયુને પ્રથમ મહિલા કૂલપતિ મળ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નવ નિયુક્ત કૂલપતિ ડો. રાજુલ ગજ્જર અગાઉ 1 જૂન 2016થી 30 ડિસેમ્બર 2016 સુધી GTUના ઇન્ચાર્જ કુલપતિ પણ રહી ચૂક્યા છે. હાલ ACPC અંતર્ગત થતી એન્જિનીયરીંગ અને ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા ડોક્ટર રાજુલ ગજ્જરના નેતૃત્વ થઈ રહી છે. 31 ઓક્ટોબરે તેઓ નિવૃત્ત થવાના હતા એ અગાઉ તેમને GTU માં પ્રથમ મહિલા કુલપતિ તરીકે નિયુક્તિ અપાઈ. આગામી ત્રણ વર્ષ સુધી ડોક્ટર રાજુલ ગજ્જર GTU ના કુલપતિ તરીકે કાર્યભાર સાંભળશે. છેલ્લા 8 મહિનાથી GTU ઇન્ચાર્જ કુલપતિના સહારે ચાલતી હતી, 8 મહિનાના અંતે કુલપતિની નિમણુક થઈ છે.
ડો. રાજુલ ગજ્જર છેલ્લા 38 વર્ષથી એન્જિનિયરિંગ વ્યવસાયમાં યોગદાન આપી રહ્યાં છે. તેમણે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી યુજી અને પીજી પૂર્ણ કર્યું અને એમએસ યુનિવર્સિટી બરોડામાંથી સ્ટ્રક્ચરલ ડિઝાસ્ટર્સમાં ડોક્ટરેટ કર્યું છે. 66થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંશોધન પેપર્સનું પ્રકાશન કર્યું છે, 4 પુસ્તકો લખ્યા છે અને 3 પેટન્ટ પ્રકાશિત કર્યા છે. ઉપરાંત સરકારના આ ક્ષેત્રને લગતા પ્રોજેક્ટ પણ તેમણે કુશળતાપૂર્વક પાર પાડ્યાં છે. તેઓ કમિશન ઓફ ટેક્નિકલ એજ્યુકેશનમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે જોડાયાં હતા. ડો. રાજુલ ગજ્જરે 30થી વધુ પીજી અને 8 ડોક્ટરલ વિદ્યાર્થીઓનું નિરીક્ષણ કર્યું છે. ઇન્ટરનેશનલ કોલાબોરેશન્સ, સેન્ટર્સ ઓફ એક્સેલન્સ, રિસર્ચ ઇનોવેશન, એક્રેડિટેશન અને રેન્કિંગ ફ્રેમવર્ક પર એક્સેલન્સ ઇન એન્જિનિયરિંગ એજ્યુકેશન, ઇન્ડસ્ટ્રી અને એલ્યુમની આઉટરીચ, ઇન્ટર્નશિપ્સ, ફેકલ્ટી અને સ્ટુડન્ટ આઉટકમ્સ પર જીટીયુના પ્રથમ ડીન અને ત્યારબાદ ડાયરેક્ટર રિસર્ચ, જીટીયુ તરીકે નિયુક્ત થયા હતા.