- શાહબાઝ શરીફ બનશે પાકિસ્તાનના નવા વડાપ્રધાન
- પાકિસ્તાનના 23 માં વડાપ્રધાન તરીકે લેશે શપથ
- ઇમરાન ખાનની પાર્ટીએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર
દિલ્હી:શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે.તેઓ પાકિસ્તાનના 23માં વડાપ્રધાન તરીકે શપથ લેશે. ઈમરાન ખાનની પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો એના થોડા સમય પહેલા જ પાકિસ્તાનમાં નવા વડાપ્રધાનની પસંદગી માટે સંસદનું સત્ર શરૂ થયું હતું.પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફ, ઇમરાન ખાનને સત્તામાંથી હાંકી કાઢ્યા પછી વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે ગણવામાં આવે છે, તે કટ્ટર વાસ્તવિકવાદી છે અને વર્ષોથી તેમણે સ્પષ્ટવક્તા વ્યક્તિ તરીકેની પ્રતિષ્ઠા મેળવી છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના 70 વર્ષીય નાના ભાઈ શાહબાઝ, દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા અને રાજકીય રીતે મહત્વપૂર્ણ પંજાબ પ્રાંતના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.આ પહેલીવાર છે જ્યારે તેમની પાર્ટી, PML-N – ખાસ કરીને તેના સુપ્રીમો નવાઝ શરીફ – વડા પ્રધાન પદ માટે તેમના નામ પર સંમત થયા છે.ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સહ-પ્રમુખ આસિફ અલી ઝરદારીએ સંયુક્ત વિપક્ષની બેઠકમાં વડાપ્રધાન પદ માટે શાહબાઝના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.શનિવારે મોડી રાત્રે સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનને વડાપ્રધાન પદેથી હટાવવામાં આવ્યા હતા.
તહરીક-એ ઈન્સાફના વડાપ્રધાનના ઉમેદવાર શાહ મેહમૂહ કુરેશીએ વડાપ્રધાનની પસંદગી માટે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. પાકિસ્તાનમાં નવા વડાપ્રધાનની ચૂંટણી પહેલા પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ સંસદમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. અહેવાલ અનુસાર, ઇમરાન ખાને પહેલા કહ્યું હતું કે તે “ચોરો” સાથે સદનમાં નહીં બેસે.
પાકિસ્તાનમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહબાઝ શરીફ વિપક્ષના સંયુક્ત મોરચાના સૌથી મોટા ઉમેદવાર છે. નવા વડાપ્રધાનની પસંદગી માટે યોજાનાર સંસદના નવા સત્ર પહેલા પાકિસ્તાનમાં તહરીક-એ-ઈન્સાફ પાર્ટીની સંસદીય દળની બેઠક યોજાઈ હતી.