રાજકોટઃ રાજ્યમાં 16 જેયલી સરકારી યુનિવર્સિટીઓમાંથી ગુજરાત યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં કાયમી કૂલપતિઓ છે. જ્યારે બાકીની તમામ યુનિવર્સિટીઓમાં કાર્યકારી કૂલપતિઓ ફરજ બનાવી રહ્યા છે. કાયમી કૂલપતિઓ ન હોવાથી યુનિવર્સિટીઓના વહિવટમાં મુશ્કેલી પડી રહી છે. કાર્યકારી કૂલપતિઓ મહત્વના નિર્ણયો લઈ શકતા નથી. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જે યુનિવર્સિટીઓમાં કાર્યકારી કૂલપતિઓ છે, ત્યાં કાયમી કૂલપતિઓની ટુંક સમયમાં નિમણૂંકો કરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 16 સરકારી યુનિવર્સિટીઓમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ તેની અમલવારી તમામ યુનિવર્સિટીમાં થઈ નથી. આ બાબતે રાજકોટ આવેલા શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને સવાલ પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પબ્લિક યુનિ,એક્ટની અમલવારી ઝડપથી થશે. સાથે જ કાયમી કુલપતિની નિમણૂક પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.
શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી, જી. ટી. યુ. તેમજ કચ્છ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક થઈ છે. આ સિવાયની અન્ય સરકારી યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક માટેની ફાઈલ મુખ્યમંત્રીના ટેબલે સહીમાં છે. જે સહી થયા બાદ કાયમી કુલપતિની નિમણૂક કરી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે. કે,રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી સહિત ત્રણ યુનિવર્સિટીને બાદ કરતા બાકીની તમામ યુનિવર્સિટીઓમાં કાર્યકારી કૂલપતિઓ ફરજ બજાવી રહ્યા છે. ઉપરાંત તમામ સરકારી યુનિવર્સિટીઓમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટની અમલવારી ન થતા જુની નીતિ મુજબ સિન્ડિકેટ અને સેનેટ સભ્યો યથાવત રાખવા કે નવા કોમન એક્ટ મુજબ કમિટીઓની રચના કરવી? તે મુદ્દે અસમંજસભરી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તો કાર્યકારી કુલપતિ નીલાંબરી દવે ફાઇનાન્સ, એસ્ટેટ અને સિન્ડિકેટ સહિતની બેઠકો પણ બોલાવી શક્યા નથી. સામાન્ય ગણાતા પદવીદાન સમારંભનું આયોજન પણ કરી શકતા નથી. જે કાર્યકારી કુલપતિ વહીવટી નિર્ણયો લેવામાં અસક્ષમ હોવાનું સાબિત કરે છે.