Site icon Revoi.in

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રભારી-પ્રમુખની નિમણૂંકો રાજસ્થાનનું કોકડું ઉકેલાયા બાદ જાહેર કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એકાદ વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજીબાજુ આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી ગઈ છે. કાર્યકર્તાની સંખ્યા વધારવા પર જોર દેવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ હજુ પણ ભર નિન્દ્રામાં હોય એવું લોકોને લાગી રહ્યું છે, કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ, વિપક્ષી નેતા સહિત પદાધિકારીઓ બદલવાની વિચારણા તો ઘણા સમયથી ચાલી રહી છે. અને આજકાલમાં જ જાહેરાત કરી દેવાશે તેમ લાગતું હતું. પણ રાજસ્થાનમાં સચિન પાઇલટે તેમની માગણી સ્વીકારવા પોકારેલા બંડનો ઉકેલ કોંગ્રેસ હાઈ કમાન્ડ માટે પ્રથમ અગ્રતા ક્રમે છે. આવા સંજોગોમાં ગુજરાતના પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતાનો મુદ્દો 11 જૂન સુધીમાં ઉકેલવાની મોવડી મંડળની ગણતરી ઊંધી પડી છે. હવે આગામી એકાદ સપ્તાહમાં કોઈ ઠોસ ઉકેલ આવે તેવી શક્યતા રાજકીય સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

રાજસ્થાનમાં સચિન પાઇલટને તેમની નારાજગી વખતે જે ખાતરી અપાઈ હતી તે પૂરી થઇ નથી. તેમના ધારાસભ્યોને સરકારમાં સમાવેશ કરવો જોઈએ તેવી માગ છે. તાજેતરમાં જ કોંગ્રેસના નેતા જતીન પ્રસાદે કોંગ્રેસને છોડીને ભાજપ પ્રવેશ કર્યો છે, ત્યારે સચિન પાઇલટને પણ આવું કોઈ કારણ મળે નહીં એટલા માટે મોવડી મંડળ તેના પ્રશ્નોને અગ્રતા આપી રહ્યું છે. આથી ગુજરાતનો મામલો હાલ બે દિવસમાં ઉકેલાવાની શક્યતા નથી. હજુ ઓછામાં ઓછું એકાદ સપ્તાહ થઈ શકે છે. રાજસ્થાનનો મામલો વધુ ગૂંચવાશે તો ગુજરાતનો મામલો ઉકેલવામાં પણ વધુ સમય લાગી શકે છે તેમ સૂત્રોનું કહેવું છે. આમ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી, પ્રમુખની પસંદગીની જાહેરાત સપ્તાહ મોડી થઈ શકે છે.