ભરૂચના ચાર ગામમાં કરોડોના ખર્ચે પાણીની યોજનાને મંજૂરી
અમદાવાદઃ દેશમાં ઘરે-ઘરે નળ મારફતે પાણી મળી રહે તે માટે જલ જીવન મિશન હેઠળ નલ સે જલ કાર્યક્રમ હેઠળ ભરૂચ જિલ્લાના ચાર ગામમાં રૂ. 2503.04 લાખના પાણી યોજનાના કામને મંજૂરી આપવામાં આવી છે. જેથી આ ગામોમાં હવે ઘરે-ઘરે નળ કનેકશન આપવામાં આવશે.
જલ જીવન મિશન “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે મળી હતી. બેઠકમાં જલ જીવન મિશન “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત પ્રગતિ હેઠળ યોજનાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભરૂચ જિલ્લાના ૪ ગામો જેમાં ભરૂચ તાલુકાના, ભોલાવ, ઝાડેશ્વર, ઉમરાજ અને અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની રૂ. 2503.04 લાખના કામોની ગ્રામ્ય પાણીની યોજનાઓને મંજુરી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ વાસ્મોના સભ્યસચિવ દર્શનાબેન, અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.