અરવલ્લીઃ ફટાકડાના ટેસ્ટીંગ વખતે લાગી હતી ભિષણ આગ, બે વ્યક્તિઓ સામે મનુષ્ય વધનો ગુનો નોંધાયો
અમદાવાદઃ ઉત્તર ગુજરાતના અરવલ્લીના મોડાસા નજીક ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભિષણ આગની ઘટનામાં ચાર શ્રમિકો ભડથું થઈ ગયા હતા. દૂર્ઘટનામાં પોલીસે ગોડાઉનના માલિકની સામે બેદરકારીને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી તેને લઈને એફએસએલની મદદથી તપાસ શરુ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસામાં રાજેન્દ્રનગર સ્ટેટ હાઈવે પર ફટાકડાના એક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આ બનાવની જાણ થતા જ સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાની ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની આ દુર્ઘટનામાં ચાર શ્રમજીવીઓના દાઝી જવાથી મોત થયાં હતા. ગોડાઉનમાં ફટાકડાના ટેસ્ટીંગ દરમિયાન આ બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે.
આ બનાવની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. તેમજ ગોડાઉનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી હતી. ગોડાઉનમાં આગને લઈ આસપાસના ખેતર વિસ્તારમાં પણ આગ પ્રસરવા લાગી હતી. જેને ફાયર ટીમો દ્વારા અટકાવી દેવામાં આવી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર, માલિક મહાદેવ મહેશ્વરી અને દેવકીનંદન મહેશ્વરી સામે પોલીસે ગુનાહીત મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો છે. બંનેએ માનવ જીંદગી જોખમમાં મુકાય અને મોટી જાનહાની થઈ શકે એવુ જાણવા છતાં ફટાકડા ફોડી ગોડાઉન પાસે ફટાકડાનુ ટેસ્ટીંગ કર્યુ હોવાને લઈ ગંભીર બેદરકારી દાખવી હોવાની ફરીયાદ દાખલ કરી છે.