ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે જારી કરી સૂચનાઃ- 16 જૂનના રોજ થી તાજમહેલ સહીતના સ્મારકો ખુલ્લા મૂકાશે
લખનૌઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કારણે અનેક પયર્ટક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા ત્યારે હવે સ્થિતિ સામાન્ય બનતા ઘીરે ઘીરે અનેક સ્થળો ખોલવામાં આવી રહ્યા છે ,આજ શ્રેણીમાં હવે વિશ્વની સાતમી અજાયબી ગણાતા તાજમહેલને પણ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે.
કોરોનાના કારણે 16 એપ્રિલથી બંધ થયેલ તાજમહેલ સંપૂર્ણ બે મહિના પછી 16 જૂને ખુલશે. ભારતીય પુરાતત્ત્વીય સર્વે દ્વારા તાજમહેલ સહિતના સંરક્ષિત સ્મારકને ખોલવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષ 2020 માં પણ કોરોનાના કારણે તાજમહેલ, આગ્રા કિલ્લો, ફતેહપુર સિકરી સહિત દેશભરમાં કેન્દ્રિય સંરક્ષિત સ્મારકો પ્રવાસીઓ માટે બંધ કરાયા હતા. 207 દિવસ જેટલા સમય માટે તેને ખોલ્યા બાદ તાજમહેલના દરવાજા ફરી બંધ કરાયા હતા. ગયા વર્ષે તાજમહેલ પર્યટકો માટે 188 દિવસ સુધી બંધ રહ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં તાજમહેલને 15 જૂન સુધી બંધ રાખવાના આદેશો હતા.
ઉલ્લેખનીય છે કે રોજગારી માટે આ સ્મારકો ખોલવા સ્થાનિકોની માંગ ઉઠી હતી, ત્યારે હવે આ તમામ સ્થળો ખોલવામાં આવતા અનેક લોકો આર્થિક સંકટમાંથી બહાર આવી શકશે, અનેક લોકોની રોજગારી ફરી જીવંત બનશે.