નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના આગ્રા સ્થિત સુપ્રસિદ્ધ તાજમહેલને નીહાળવા માટે દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. દરમિયાન જગદગુરુ પરમહંસાચાર્યજી પણ અયોધ્યાથી આગ્રા ગયા હતા. જો કે, પોલીસ દ્વારા કેટલાક કારણોસર તેમને તાજમહેલમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તેમજ સુરક્ષા કર્મચારીઓએ અયોગ્ય વર્તન કર્યાનો જગદગુરુએ આક્ષેપ કર્યો હતો. જેથી ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન આ ઘટનાની જાણ થતા જ પુરાતત્વ વિભાગના ઉચ્ચ અધિકારીએ તાત્કાલિક જગદગુરુની માફી માંગી હતી. તેમજ તાજમહેલ જોવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેમજ જગદગુરુની સાથે રહીને તાજમહેલ બતાવવાની તૈયારી પણ અધિકારીએ દર્શાવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર જગદગુરુ પરમહંસાચાર્યજી અને તેમના શિષ્યો અયોધ્યાથી આગ્રા ગયા હતા. તેમજ તાજમહેલ જોવા ગયા હતા પ્રવેશ કરવા માંગતા હતા. જો કે, અહીં હાજર પોલીસે કોઈ પણ કારણોસર તેમને પ્રવેશ આપ્યો ન હતો. એટલું જ નહીં જગદગુરુએ પોલીસે ધક્કોમારીને બહાર કાઢ્યા હાવનો આક્ષેપ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ ખળભળાટ મચી ગયો હતો. જગદગુરુની નારાજગીને પગલે પુરાતત્વ વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. એક ઉચ્ચ અધિકારીએ જગદગુરુ પરમહંસાચાર્યજીની માફી માંગી હતી.