મોસ્કો: ભારત અને રશિયાની દાયકાઓ જૂની સદાબહાર મિત્રતા પુરી દુનિયાને ખબર છે. ખાસ કરીને ડિફેન્સ સેક્ટરમાં રશિયા ભારતનું સૌથી મોટું ભાગીદાર રહ્યું છે. અત્યારે પણ ભારત હથિયારોની ખરીદીના મામલામાં રશિયા પર વધુ નિર્ભર છે. પરંતુ હવે ન્યૂઝ એજન્સી રોયટર્સે રશિયા સાથે જોડાયેલો પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં દાવો કરાયો છે કે યુક્રેન યુદ્ધને કારણે રશિયાની યુદ્ધસામગ્રી અને અન્ય સ્પેરપાર્ટ્સની સપ્લાયની ક્ષમતા બાધિત થઈ છે. તેના કારણે ભારત પોતાના સૌથી મોટા હથિયાર સપ્યાલર રશિયાથી અંતર બનાવવા માંગે છે. રિપોર્ટમાં ભારતીય સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રશિયાને ચીનની નજીક જતું રોકવા માટે ભારતે સાવધાનીપૂર્વક પગલા ઉઠાવવા જોઈએ. હવે આ મામલે રશિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની સરકારના ઉપ વિદેશ મંત્રી એન્ડ્રી રુડેંકોએ રોયટર્સના આ રિપોર્ટને નકાર્યો છે. રશિયાની ન્યૂઝ એજન્સી તાસે રશિયાના મંત્રીને ટાંકીને કહ્યુ છે કે અમારી પાસે આવી કોઈ જાણકારી નથી. આ બધું રોયટર્સવાળા જાણે. અમારા ભારતીય ભાગીદાર પહેલાની જેમ અત્યારે પણ સંરક્ષણ ક્ષેત્ર સહીત દરેક સ્થાને સહયોગમાં રસ દાખવે છે.
ગત વર્ષ સ્ટોકહોમ ઈન્ટનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટયૂટે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે રશિયા હજીપણ ભારતનું સૌથી મોટું હથિયાર સપ્લાયર છે. જો કે 2017થી 2022 સુધીમાં ભારતીય ડિફેન્સ ઈમ્પોર્ટમાં તેની હિસ્સેદારી 62 ટકાથી ઘટીને 45 ટકા થઈ. તેનું કારણ મેક ઈન ઈન્ડિયા હેઠળ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહેલી ભારતની નીતિ-રણનીતિ છે. જો કે ગત બે દાયકાઓ દરમિયાન ભારતે 60 અબજ ડોલરથી વધુના શસ્ત્રોની ખરીદી કરી છે અને તેમાં 60 ટકાથી વધુની સપ્લાય રશિયાએ કરી છે.
ટેન્કથી લઈને વિમાનવાહક અને જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ પ્રણાલી સુધી ભારત આ હથિયારો રશિયા પાસેથી ખરીદવા માંગે છે. બંને દેશોએ સાથે મળીને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બનાવી છે અને ભારત એકે-203 રાઈફલ પણ રશિયા સાથે મળીને બનાવવા માંગે છે.
હાલ ફ્રાંસ 29 ટકા હિસ્સેદારી સાથે ભારતને હથિયારોની સપ્લાયના મામલે બીજા સ્થાને છે. જ્યારે 11 ટકા હિસ્સેદારી સાથે અમેરિકા ત્રીજા સ્થાને છે. પોતાના કુલ હથિયાર આયાતમાં 11 ટકાનો ઘટાડો થવા છતાં ભારત હજીપણ દુનિયાનો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ છે.