Site icon Revoi.in

બનાસકાંઠાના ડીસા, અંબાજી, અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં કરાં સાથે માવઠું

Social Share

પાલનપુરઃ ઉત્તરગુજરાતના બનાસકાંઠામાં પણ વાતાવરણમાં પલટો આવ્યા બાદ કેલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગઈકાલે શનિવાર સાંજે પોણા 6 વાગે અચાનક ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો હતો અને જોતજોતામાં પવનની ગતિ 37 કિલોમીટરે પહોંચતાં ભારે પવન વાવાઝોડામાં ફેરવાયો હતો. ધૂળિયા વાતાવરણમાં આંખ ખોલવી પણ મુશ્કેલીભર્યું બન્યું હતું. ડીસા, અંબાજી અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં માવઠા સાથે અષાઢી માહોલ સર્જાયો હતો.

ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કડાકા- ભડાકા અને કરા સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જેમાં શનિવારે સાંજના 4 થી 8 વાગ્યા સુધીના 4 કલાકમાં 22 તાલુકામાં 2 મીમીથી લઇને 41 મીમી એટલે કે પોણા બે ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ પાટણના સરસ્વતી તાલુકામાં પોણા બે ઇંચ, હિંમતનગરમાં દોઢ, સિદ્ધપુર, દાંતા, બહુચરાજી અને પાટણ પંથકમાં પોણો ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. આ સિવાયના વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. બહુચરાજીમાં માત્ર 15 મિનિટમાં કરા સાથે પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડુતો ચિંતિત બન્યા હતા. વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ગરમીમાં ઘટાડો નોંધાયો હતો.  માવઠાને કારણે ઉનાળુ સિઝનનો ખેતરમાં ઉભો પાકનો ઓથ વળી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે બપોર બાદ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. જોકે અચાનક જ આકાશમાં વાદળો છવાઈ જતાં અને ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ડીસા, અંબાજી, સુઇગામ, ભાભર, અમીરગઢ દાંતીવાડા-પાંથાવાડા પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે દિવેલાનો પાક અને વરિયાળીનો પાક ભાગી જઇ જમીનદોસ્ત થયોહતો. બીજી બાજુ માવઠાંવાળા વિસ્તારોમાં ઘઉંના ઉભા પાકને દાણા પર કાળી ડાઘીઓ પડી જતાં ગુણવત્તા બગડી છે. જેને લઇ ખેડૂતોને સારો ભાવ ન મળતાં આર્થિક નુકસાન થશે. આજે રવિવારે ઉત્તર ગુજરાતનું વાતાવરણ સામાન્ય વાદળછાયું રહ્યું છે.  દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં પ્રતિ કલાકે 40 કિલોમીટરની ઝડપ સુધીનો ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદના હળવા ઝાપટાં પડી છે. આગામી 25 માર્ચ સુધી ઉત્તર ગુજરાત વત્તા ઓછા પ્રમાણમાં વાદળછાયું રહેવાની સંભાવના છે.