Site icon Revoi.in

આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ફ્રાંસને હરાવીને રચ્યો ઈતિહાસ,પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

Social Share

મુંબઈ:ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવીને ઈતિહાસ રચ્યો છે. લિયોનેલ મેસીની કેપ્ટન્સીમાં આર્જેન્ટિનાએ આ કમાલ કરી બતાવી છે અને ત્રીજી વખત વર્લ્ડ કપ પોતાને નામ કર્યો છે.આર્જેન્ટિનાની જીતની ભારતમાં પણ ઉજવણી કરવામાં આવી હતી અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

ભારતના દિગ્ગજ નેતાઓએ પણ ફાઈનલની મજા માણી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિફા વર્લ્ડ કપ જીતવા બદલ આર્જેન્ટિનાને અભિનંદન આપ્યા,તેમના સિવાય ઘણા નેતાઓએ પણ આર્જેન્ટિના અને લિયોનેલ મેસીને અભિનંદન સંદેશ લખ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિના માટે ટ્વીટ કર્યું અને લખ્યું કે,તે સૌથી રોમાંચક ફૂટબોલ મેચોમાંથી એક માનવામાં આવશે.આર્જેન્ટિનાને વર્લ્ડ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન, તેઓએ સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર રમત રમી.ભારતમાં આર્જેન્ટિના-લિયોનેલ મેસ્સીના લાખો ચાહકો પણ ઉજવણીમાં જોડાયા

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ આ ઐતિહાસિક જીત માટે આર્જેન્ટિનાને અભિનંદન પાઠવ્યા હતા.તેણે ટ્વીટ કર્યું કે,આ એક શાનદાર રમત હતી,આર્જેન્ટિનાને જીત માટે અભિનંદન.ફ્રાન્સે પણ ચેમ્પિયન જેવી જોરદાર રમત બતાવી હતી.ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ રાજસ્થાનના દૌસામાં જ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોઈ હતી.

ફિફા વર્લ્ડ કપ ફાઈનલની વાત કરીએ તો આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની આ મેચ અગાઉ 3-3થી ડ્રો રહી હતી.વધારાના સમય બાદ પણ મેચનું પરિણામ મળી શક્યું ન હતું.અંતે, મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ દ્વારા લેવામાં આવ્યો અને આર્જેન્ટિનાએ તેને 4-2થી જીતી લીધું. આર્જેન્ટિનાએ ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યો છે, જ્યારે લિયોનેલ મેસીએ પ્રથમ વખત વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે.