નવી દિલ્હીઃ નશાની હાલતમાં ગુનો આચરવામાં આવ્યો હોવાની દલીલ કરીને સજાથી બચી શકાતુ નથી. તેમ સર્વોચ્ચ અદાલતે અરજીની સુનાવણી વખતે નોંધ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ સામે એક વ્યક્તિની અપીલને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, આ દલીલ ત્યારે જ માન્ય રહેશે જો તે સાબિત થાય કે ગુનાનો આરોપી તેના સંજોગોને કારણે ગુનાની પ્રકૃતિને સમજવામાં અસમર્થ હતો.
એક વ્યક્તિને ગોળી મારવાના કેસમાં હાઈકોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી હતી. આરોપી તરફથી કોર્ટમાં રજુઆત કરી હતી કે, ઘટના સમયે (30 મે, 2007) તે ખૂબ જ નશામાં હતો અને તેથી તે શું કરી રહ્યો હતો તે જાણવાની સ્થિતિમાં નહોતો. ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે મહેન્દ્ર અને નાન્હે એકબીજા સાથે લડતા હતા. અન્ય લોકોની દરમિયાનગીરી બાદ આરોપી નાન્હે ત્યાંથી ચાલ્યો ગયો હતો. પરંતુ સ્થળ પરથી 15 થી 20 ડગલાં ચાલ્યા બાદ તે પાછો ફર્યો અને દેશી બનાવટની પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું, જે અન્ય વ્યક્તિ સદ્દામ હુસૈનને વાગતાં તેનું મોત થયું હતું. કોર્ટે નોંધ્યું હતું કે, આઈપીસીની કલમ 86 નશામાં હોવાના કારણે અને તેના કૃત્યની પ્રકૃતિ જાણવાની અસમર્થતાને કારણે ગુનાના આરોપીને નિર્દોષ જાહેર કરે છે.
કેદીની અકાળે મુક્તિની અરજી પર વિચાર કરવાના તેના આદેશનું પાલન ન કરવાથી ગુસ્સે થઈને સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના ગૃહ સચિવને સમન્સ પાઠવ્યું છે. ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને પંકજ મિત્તલની બેન્ચે રાજ્ય સરકારના એફિડેવિટની નોંધ લીધી હતી. આદેશનું પાલન ન થવાથી નારાજ બેન્ચે રાજ્યના ગૃહ સચિવને આગામી સુનાવણીમાં રૂબરૂ અથવા વર્ચ્યુઅલ રીતે હાજર રહેવા જણાવ્યું છે. આગામી સુનાવણી 11 ડિસેમ્બરે થશે. ખંડપીઠે નોંધ્યું હતું કે, અરજદાર કેદીની પત્નીની સર્જરી 24 નવેમ્બરે થવાની છે. તેના પર ખંડપીઠે રાજ્ય સરકારને દસ્તાવેજની તપાસ કરવા જણાવ્યું હતું.