Site icon Revoi.in

કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર અને ધર્મેશ પટેલે આપ્યુ રાજીનામું, હવે કેસરિયો ખેસ પહેરશે

Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે જ ગુજરાત કોંગ્રેસના દિગજ્જ ગણાતા અર્જુન મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને નવસારીમાં ગત લોકસભાની ચૂંટણીમાં હારેલા નેતા ધર્મેન્દ્ર પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા રાજકીય માહોલ ગરમાયો છે. આ ત્રણેય નેતાઓ એકાદ-બે દિવસમાં ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે. રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાં પ્રવેશી રહી છે. ત્યારે કોંગ્રેસના ઘૂરંધરોની વિકેટ પાડવામાં ભાજપને સફળતા મળી છે. અને કોંગ્રેસનો ફટકો પડ્યો છે.

ગુજરાત કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરના રાજીનામાંની ઘણા સમયથી અટકળો ચાલતી હતી. આખરે લોકસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસને રામ રામ કર્યા છે. સોમવારે એક જ દિવસમાં કોંગ્રેસના ત્રણ નેતાઓએ રાજીનામાં આપ્યા છે. પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને બાદમાં નવસારીના કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલે રાજીનામાં ધરી દીધા છે. ધર્મેશ પટેલ 2019 લોકસભા ચૂંટણીમાં નવસારી બેઠક પર પાટીલ સામે ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. અંબરીશ ડેરએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું.  અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મોઢવાડિયાનું રાજીનામું સ્વીકારવા માટે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી થરાદનો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર પહોંચ્યા હતા.  અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના વિરોધ કરવા બદલ કોંગ્રેસ છોડી હોવાનું જણાવ્યું હતું.

પોરબંદરના ધારાસભ્ય એવા અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસના 14 ધારાસભ્ય જ બચ્યા છે. આ પહેલાં સીજે ચાવડા, ચિરાગ પટેલે પણ ધારાસભ્યપદેથી રાજીનામાં આપ્યા હતા. અમરીશ ડેર રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે. અમરીશ ડેર ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટિલને મળવા પહોચ્યા હતા. અને રાજીનામું આપે તે પહેલા જ  કોંગ્રેસ પ્રમુખે તેમને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. આમ, ડેર રાજીનામું આપે એ પહેલાં જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાના થોડા સમયમાં જ અંબરીશ ડેરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.