Site icon Revoi.in

ગુજરાતમાં 13600 સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર સશસ્ત્ર પોલીસ અને SRPનો બંદોબસ્ત ગોઠવાશે

Social Share

ગાંધીનગર: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં સુરતની બેઠક બિનહરિફ થતાં બાકીની 25 બેઠકો પર 7મી મેના રોજ ચૂંટણી યોજાશે. લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મતદાન મથકની આસપાસ નોંધાયેલા ગુનાઓને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ મતદાન મથકો શોધી કાઢવામાં આવ્યા છે. અને  મતદાન મથકો સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ નક્કી થાય છે.

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં 50,787 મતદાન મથકોમાંથી 13600 જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે. 2019 ની સરખામણીએ આ વખતે સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 450 જેટલો ઘટાડો નોંધાયો છે, જોકે આ વખતે 164 જેટલા મતદાન મથકો પણ ઘટ્યા છે. રાજ્યમાં મતદાન બિલ્ડિંગમાં આશરે 200નો વધારો નોંધાયો છે, સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ સશસ્ત્ર પોલીસ દળો,એસઆરપી અને હોમગાર્ડ જવાનોને તૈનાત કરવામાં આવશે. હાલ રાજ્યમાં વિવિધ ઠેકાણે 72 જેટલી એસઆરપી કંપનીઓ તૈનાત છે અને 112 સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જરૂર જણાય ત્યાં આ ફોર્સ તૈનાત કરવામાં આવશે. ક્રિટિકલ મતદાન મથકો માટે 10 જેટલી SRP કંપનીનો ઉપયોગ કરવાનું પંચ દ્વારા નક્કી કરાયું છે. રાજ્યમાં હોમગાર્ડનો 64,000 નો સ્ટાફ છે. આ સાથે જ, પોલીસ દળના કેટલાક આઇપીએસ કક્ષાના અધિકારીઓ ડી વાય એસ પી, પી એસ આઇ, પી.આઈને પણ બંદોબસ્તમાં મૂકવામાં આવશે. આ તમામ મતદાન મથકોની યાદી અલગ બનાવવામાં આવે છે અને તેના પર સઘન સુરક્ષા ગોઠવવામાં આવે છે. આ તમામ મતદાન મથકો પરથી લાઈવ વેબ કાસ્ટિંગ SRP જવાનો તેમજ વધારાની પોલીસ ફોર્સ મૂકવામાં આવે છે. આ મતદાન મથકોના આંકડા ગુપ્ત રાખવામાં આવે છે.