નવી દિલ્હીઃ તાજેતરના સમયમાં ભારતના ઘણા દુશ્મનો શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામી રહ્યાં છે. દરમિયાન 2018માં જમ્મુમાં આર્મી કેમ્પ પર થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ પીઓકેમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. મૃતકની ઓળખ ખ્વાજા શાહિદ તરીકે થઈ છે. રિપોર્ટ્સ અનુસાર, ખ્વાજા શાહિદની લાશ માથુ કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ખ્વાજા શાહિદનું થોડા દિવસ પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું.
મૃત હાલતમાં મળી આવેલો આતંકવાદી લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો અને તે 2018માં જમ્મુના સુંજવાનમાં આર્મી કેમ્પ પર હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ હુમલામાં આતંકીઓએ આર્મી કેમ્પ પર AK-47 રાઈફલ અને ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેમાં સેનાના 6 જવાન શહીદ થયા હતા. ખ્વાજા શાહિદ ઉર્ફે મિયાં મુજાહિદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની નીલમ ખીણનો રહેવાસી હતો. ખ્વાજા શાહિદનું તાજેતરમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ખ્વાજા શાહિદનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISI ખ્વાજા શાહિદને શોધવાનો પ્રયાસ કરી રહી હતી અને હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશોમાં છેલ્લા કેટલાક દિવસોથી માનવાતા વિરોધી મનાતા આતંકવાદીઓની અજાણ્યા શખ્સો દ્વારા હત્યાના ઘટનામાં વધારો થયો છે. તાજેતરના સમયમાં વિદેશી ધરતી પર અજાણ્યા લોકો દ્વારા ઘણા આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આમાં ભારતના મોસ્ટ વોન્ટેડ શાહિદ લતીફ, કૈસર ફારૂક, જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઝહૂર ઈબ્રાહિમ ઉર્ફે ઝાહિદ અખુંદ, કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર અને પાકિસ્તાનમાં ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ સંધુનો સમાવેશ થાય છે.