ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે બેંગલુરુ ખાતેના એરો ઈન્ડિયા-2019ના બીજા દિવસે સ્વદેશી લાઈટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસમાં ઉડાણ ભરી હતી. યેલાહાંકા એરબેસ ખાતે ચાલી રહેલા એરો ઈન્ડિયા-2019ના બીજા દિવસે તેઓ સ્વદેશી યુદ્ધવિમાનમાં સવાર થયા હતા અને આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે ભારતના કોઈ સેનાધ્યક્ષે સ્વદેશી ફાઈટર પ્લેનમાં ઉડાણ ભરી હોય. યુદ્ધવિમાનમાં પાયલટની સીટ પર બેસવા માટે મેડિકલી ફિટ હોવું જરૂરી છે. જનરલ રાવત હાલ 61 વર્ષના છે અને તેજસમાં તેમની ઉડાણ જણાવે છે કે તેઓ મેડિકલી ફિટ છે.
તેજસમાં ઉડાણ ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જનરલ રાવતને પુલવામા એટેક મામલે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં જનરલ રાવતે કહ્યુ હતુ કે તેઓ સીઆરપીએફના જવાનો પર આતંકી હુમલા વિરુદ્ધના સરકારના વલણનું સમર્થન કરે છે. તેમણે આ આતંકવાદી હુમલામાં વધુ ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. મહત્વપૂર્ણ છેકે 14મી ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા.
તેજસ યુદ્ધવિમાનમાં ઉડાણ ભરતા પહેલા જનરલ રાવતે હાથ લહેરાવીને લોકોનું અભિવાદન કર્યું હતું. આ યુદ્ધવિમાનને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે તૈયાર કર્યું છે. તેજસમાં સેનાધ્યક્ષની ઉડાણ વૈજ્ઞાનિકો અને સુરક્ષાદળો વચ્ચે ભરોસા અને એકજૂટતાને પ્રદર્શિત કરે છે.
મહત્વપૂર્ણ છે કે ભારતમાં બનેલા એલસીએ તેજસને ફાઈનલ ઓપરેશનલ ક્લિયરન્સ મળી ગયું છે. ભારતના હળવા યુદ્ધવિમાન તેજસ એમ. કે. આઈને બુધવારે અંતિમ સંચાલન મંજૂરી એટલે કે એફઓસી મળી ચુકી છે.
ભારતીય વાયુસેનાએ બુધવારે એ વાતની સ્વીકૃતિ આપવાની સાથે જ તેજસને રિલીઝ ટૂ સર્વિસ સર્ટિફિકેટ પણ જાહેર કરી દીધું હતું. તેનો અર્થ છે કે તેજસને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એટલે કે ડીઆરડીઓ તરફથી ફાઈનલ ઓપરેશનલ ક્લિયરન્સ મળી ચુક્યું છે. મહત્વપૂર્ણ છે કે તેજસને ડીઆરડીઓની એરોનોટિકલ ડેવલોપમેન્ટ એજન્સી દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે.
ભારતીય વાયુસેનામાં તેજસ યુદ્ધવિમાનના સામે થવાથી ભારતની વાયુશક્તિ વધુ મજબૂત બની જશે. સૂત્રો મુજબ, આ યુદ્ધવિમાનની ડિઝાઈનને તૈયાર કરવામાં લગભગ 20 વર્ષનો સમય લાગ્યા છે.
પાંચ દિવસ ચાલનારા આ એર શૉમાં દેશ અને દુનિયાની 800 કંપનીઓ ભાગ લઈ રહી છે. આ એર શૉમાં 164 પ્રસ્તાવો પર હસ્તાક્ષર થવાના છે.
એશિયાના સૌથી મોટા એર શૉમાં તેજસ, હોકઆઈ, હેલિકોપ્ટર ધ્રુવ પણ સામેલ થઈ રહ્યા છે.
બુધવારે તેજસે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. સ્વદેશી એલસીએનું નામકરણ ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયીએ કર્યું હતું. જ્યારે રફાલે સૂર્યકિરણ વિમાન દુર્ઘટનામાં શહીદ થયેલા વિંગ કમાન્ડર સાહિલ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.