Site icon Revoi.in

શહીદ ભારતીય જવાન ઔરંગઝેબની હત્યાના મામલે રાષ્ટ્રીય રાઈફલ્સના ત્રણ જવાનોની અટકાયત

Social Share

ભારતીય સેનાના જવાન શહીદ ઔરંગઝેબની હત્યાના મામલામાં સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. ઔરંગઝેબના અપહરણ અને બાદમાં તેની હત્યાના મામલામાં 44 રાષ્ટ્રીય રાઈફલ્સના ત્રણ જવાનોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ થઈ રહી છે. કસ્ટડીમાં લેવાયેલા ત્રણેય જવાનો પર આતંકવાદીઓના ખબરી હોવાની શંકા છે.

આ ત્રણેય જવાનોની ઓળખ આબિદ વાની, તજામુલ અહમદ અને આદિલ વનિઆરે તરીકે થઈ છે. ઔરંગઝેબની જૂન-2018માં કિડનેપિંગ બાદ હત્યા કરી દેવામાં આવી હતી. ભારતીય સેનાનો જવાન ઔરંગઝેબ સેનાની છાવણીથી પુંછ ખાતેના પોતાના નિવાસસ્થાને જવા માટે નીકળ્યો હતો. ત્યારે માર્ગમાંથી જ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાના જવાન શહીદ ઔરંગઝેબને મરણોપરાંત શૌર્ય ચક્ર એનાયત કરીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શહીદ ઔરંગઝેબના પિતા ભાજપમાં સામેલ થયા હતા.

કસ્ટડીમાં લેવામાં આવેલા ત્રણ આરોપી જવાનોમાંથી એક આબિદ વાનીના ભાઈ તવસીફ અહમદની સાથે મારપીટ કરવાની વાત સામે આવી છે. જણાવવામાં આવે છે કે રાષ્ટ્રીય રાઈફલ્સના જવાને અહમદની સાથે કથિતપણે મારપીટ કરી છે. તવસીફ અહમદને ઘણી ઈજાઓ પહોંચી હોવાને કારણે પહેલા તેને પુલવામાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તેને સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યો હતો. પરિસ્થિતિ બગડવાને કારણે તવસીફ અહમદને શ્રીનગર ખાતેની શ્રી મહારાજા હરિસિંહ હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યો હતો. તબીબોએ તવસીફની સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ ઘટનાની વિગતવાર તપાસ કરવાની વાત પણ જણાવી છે.

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિએ મહારાજા હરિસિંહ હોસ્પિટલમા જઈને આતંકવાદીઓના ખબરી હોવાના મામલે આરોપી આબિદ વાનીના ઈજાગ્રસ્ત ભાઈ તવસીફ અહમદની મુલાકાત કરી હતી. પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તિએ જણાવ્યું છે કે તે આ ઘટના સંદર્ભે કોર કમાન્ડરની સાથે વાતચીત કરશે. મહબૂબા મુફ્તિએ કહ્યું છે કે તે એ વાતને લઈને આશ્વસ્ત છે કે રાજ્યપાલ સત્યપાલ મલિક આ મામલાને જરૂરથી ધ્યાન પર લેશે. તેમણે જણાવ્યુ છે કે તવસીફનો ભાઈ હજીપણ લાપતા છે અને તેના સંદર્ભે કોઈ ખબર આવી નથી. જણાવવામાં આવે છે કે છેલ્લા ઘણાં મહિનાઓમાં કાશ્મીર ખીણમાં સ્થાનિક જવાનો પર આતંકવાદી હુમલાની ઘટનાઓ વધી ગઈ છે.