Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં શહિદ થયેલા આર્મી જવાનનો પાર્થિવદેહ વતન વણજારીયા લવાતા ગામ હિબકે ચડ્યું

Social Share

અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થતી રહેતી હોય છે. તાજેતરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થતા દેશની રક્ષા કરતા ગુજરાતનો સપૂતે શહિદી વહોરી હતી.  ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નાનકડા ગામ એવા વણઝારીયા ગામના આર્મી જવાને શહાદત વહોરતાં ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. સાથે સાથે તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આર્મી જવાનના પાર્થિવદેહને આજે તેના વતનમાં લવાયો હતો. જ્યાં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે વણઝારીયા ગામ હિબકે ચડ્યુ હતું. શહિદ થયેલા આર્મી જવાનના ગામના મિત્રોએ જણાવ્યુ હતું કે, આર્મી જવાન હરિશસિંહની સગાઈ થઈ ગઈ હતી અને દિવાળી બાદ લગ્ન લેવાના હતા. આમ લગ્નની શહેનાઈ વાગે તે પહેલા જ અમારા મિત્રએ શહિદી વહોરી છે.

જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા 25 વર્ષીય હરિશસિંહ રાધેસિંહ પરમારે આતંકવાદીઓ સામેની લડાઈમાં શહિદી વહોરી લેતા તેમના વતન કપડવંજ તાલુકાના વણઝારિયા ગામે ભારે ગમગીની પ્રસરી ગઈ હતી. હરિશસિંહ રાધેસિંહ પરમારે જમ્મુ કાશ્મીર ખાતે શહાદત વહોરી લીધી હતી.. જમ્મુ કાશ્મીરમાં આંતકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલેલી કલાકોની અથડામણમાં હરિશસિંહને ગોળી વાગી જતાં મા મોભની રક્ષા કાજે શહીદ થયા હતા. આર્મી જવાનના પિતા રાધેસિંહ અમરાભાઈ પરમારને સંતાનમાં બે દિકરા છે. જેમાં સૌથી મોટો દિકરો હરિશસિંહ આર્મીમાં જ્યારે નાનો દિકરો સુનીલ અભ્યાસ કરી રહ્યો છે. જવાન છેલ્લે મે મહિનામાં પોતાના વતન વણઝારીયા ગામે આવ્યા હતા. જ્યાં એક મહિનાની રજાના સમયગાળામાં પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી પરત જમ્મુમાં હાજર થયા હતા.

કપડવંજ ખાતેની સ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. હરીશસિંહને નાનપણથી આર્મીમાં જવાનો શોખ હતો માટે તે પોતાનું શિક્ષણ પુરુ કરી આર્મીમાં જવા અથાગ પ્રયત્નો કર્યા હતા અને વર્ષ 2016માં આર્મીમાં સિલેક્શન થતાં હરીશસિંહે તેના પરિવારને ખુશીઓથી ભરી દીધું હતું. આર્મી જવાનના માતા પિતા સહિત ભાઈ રાજી થઈ ગયા હતા. યુવાનની પહેલી પોસ્ટીંગ આસામ, બીજી રાજસ્થાન અને હાલ પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં આવેલા મછાલ સેક્ટરમાં હતી. વણઝારીયા ગામના યુવાને શહીદી વહોરી લીધાના સમાચાર વાયુવેગે જવાનના મિત્ર વર્તુળ અને સમાજમાં પ્રસરતાં સમાજના લોકો તથા ગ્રામજનો પરિવારના વહારે આવ્યા છે. જવાનના ઘર બહાર હૈયા ફાટ આક્રંદ જોવા મળ્યો હતો. નજીકના સ્વજનોએ જણાવ્યું છે કે આર્મી જવાનની 1 વર્ષ અગાઉ સગાઈ થઈ ચૂકી હતી. આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં સુધીમાં લગ્ન પણ થવાના હતા. અને એ દરમિયાન જ શહીદી વહોરી લીધી છે.