અમદાવાદઃ અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલું બિપરજોય વાવાઝોડું પ્રતિ કલાકે 9 કિલોમીટરની ઝડપે કચ્છના માંડવી, જખૌ અને પાકિસ્તાનના કરાંચીના દરિયામાં ‘દરિયાઈ ડ્રેગન’ નું રૂપ લઇ વિનાશ વેરવા આગળ વધી રહ્યું છે ત્યારે ભારતીય હવામાન ખાતાં દ્વારા આ વાવાઝોડું ખુબ ભયંકર તબાહી મચાવી શકવાની તાકાત ધરાવતું હોવાની ચેતવણી આપતાં પરિસ્થિતિની ગંભીરતાની નજરે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખાસ કરીને કચ્છમાં ભારતીય સેનાને સ્ટેન્ડ-બાય રાખવામાં આવી છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ભુજના લશ્કરી મથકની મુલાકાત લઇ સેનાના અધિકારીઓ સાથે પરિસ્થિતિની ચર્ચા-વિચારણા કરી હતી.
ભારતીય હવામાન ખાતાં દ્વારા આ વાવાઝોડું ખુબ ભયંકર તબાહી મચાવી શકવાની તાકાત ધરાવતું હોવાની ચેતવણી આપી છે. જો આ વાવાઝોડું વિનાશ વેરશે તો તેની અસર દૂરગામી થશે કારણ કે, પશ્ચિમ કાંઠાના બે મોટા બંદરો કંડલા અને મુંદરા ખાતે કાર્ગો હેન્ડલિંગનું કામ ઠપ્પ થઇ જવા પામ્યું છે અને આ બંને બંદરોમાં આવેલા જહાજોને પરત મોકલાવી દેવા ઉપરાંત મધદરિયે રહેલાં અને કંડલા કે મુંદરા તરફ આવતાં જહાજોને પણ દરિયામાં જ અન્ય સલામત સ્થળે જવા જણાવી દેવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,મુંદરા સ્થિત ખાનગી બંદર સમગ્ર દેશનું કોલસાની આયાત માટેનું સૌથી મોટું ‘હબ’ છે. અહીં કાર્ગો હેન્ડલિંગની કામગીરી ઠપ્પ થઇ જતાં કોલસાનો મોટો જથ્થો મધદરિયે જહાજોમાં પડ્યો રહ્યો છે. તેવી જ રીતે જામનગર સ્થિત દુનિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી દ્વારા પણ ડીઝલ તેમજ અન્ય ઓઇલ ઉત્પાદનોની નિકાસ રોકી દેવાઈ છે. કચ્છમાંથી અત્યારસુધી 12000 જેટલા લોકોનું સ્થળાન્તર કરી દેવાયું છે અને હજુ આ કામગીરી બુધવારે પણ ચાલુ રખાશે તેમ જાણવા મળ્યું છે.
આ વાવાઝોડું જેમ જેમ કચ્છ-સૌરાષ્ટ્રના સાગરકાંઠાઓની નજીક આવશે તેમ તેમ વરસાદની તીવ્રતા વધતી જશે. કચ્છ ઉપરાંત પોરબંદર, દેવ ભૂમિ દ્વારિકા, જામનગર, જૂનાગઢ અને મોરબીમાં પણ વ્યાપક વરસાદ થશે. આ વાવાઝોડું હાલે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. લેન્ડફોલ થયા બાદ તે તેની દિશા ઉત્તર-પશ્ચિમ થઇ જશે અને તે કરાંચી તરફ આગળ વધશે તેથી કચ્છના જખૌ સામેના દરિયામાં ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમાની સામેપાર આવેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પણ ચિંતા સર્જાઈ છે.
કચ્છના કોટેશ્વર, જખૌ અને નારાયણ સરોવરના દરિયાથી ભૌગોલિક રીતે પાકિસ્તાનનો સિંધ પ્રાંત ખુબ નજીક આવેલો છે અને આ વાવાઝોડું પાકિસ્તાનના કરાંચી તરફ જવાની શક્યતા હોઈ સિંધ પ્રાંતના કેટી બંદર ખાતેના 3000 જેટલા માછીમારોનું સ્થળાન્તર કરાયું છે અને સિંધ પ્રાંતના ઠઠ્ઠા, બદીન અને સુજાવલના જિલ્લાઓમાં પણ સ્થળાંતરની કામગીરી શરૂ કરાઈ છે. દરમમિયાન, બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ કર્યા બાદ કરાંચીનો દરિયો પાર કરીને રાજસ્થાન સુધી પોતાની અસર બતાવશે. રાજસ્થાનના બાર જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ ભારે પવનો ફૂંકાશે ઉપરાંત વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. દરમિયાન મંગળવારે સવારથી કચ્છના ભુજ, માંડવી,અંજાર સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ સમયાંતરે પડ્યો હતો અને પવન પણ પ્રતિ કલાકે 30થી 45 કિલોમીટરની ઝડપે સમયાંતરે ફૂંકાઈ રહ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા 67 જેટલી ટ્રેનોને રદ કરાયા બાદ મુંબઈ અને ગુજરાત વચ્ચેની 20 મહત્વની ટ્રેનોને પણ આજથી ત્રણ દિવસ માટે રદ કરી છે .રદ કરાયેલી ટ્રેનોમાં દાદર-સુરત એક્સપ્રેસ અને મુંબઈ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. રેલવે દ્વારા વેરાવળ-પોરબંદર વિભાગ, ઓખા દ્વારકા વિભાગ અને ગાંધીધામ-ભુજ વિભાગને વાવાઝોડાં અસરગ્રસ્ત વિસ્તાર તરીકે સમાવાયા છે.