1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મકાઇના પાકમાં લશ્કરી ઇયળનો ઉપદ્રવ, ખેડુતો ચિંતિત
મકાઇના પાકમાં લશ્કરી ઇયળનો ઉપદ્રવ, ખેડુતો ચિંતિત

મકાઇના પાકમાં લશ્કરી ઇયળનો ઉપદ્રવ, ખેડુતો ચિંતિત

0
Social Share
  • લાલ ટપકાવાળી લશ્કરી ઈયળો મકાઈના પાકનો નાશ કરી રહી છે,
  • કૃષિ વિભાગે ખેડુતોને આપી સલાહ,
  • ભલામણ કર્યા મુજબ દવાનો છંટકાવ કરવા અપીલ,

ગાંધીનગરઃ ગુજરાતમાં સતત વરસાદી માહોલમાં મકાઈના પાકમાં લાલ ટપકાવાળી ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ત્યારે કૃષિ ભાગ દ્વારા ખેડુતોને ભલામણ કર્યા મુજબની દવાનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી છે. જીવાતનાં નર ફૂદાંને આકર્ષવા માટે 50 ફેરોમોન ટ્રેપ પ્રતિ હેકટર અથવા 20 ફેરોમોન ટ્રેપ પ્રતિ એકર લગાવવી અને લ્યુર 40 દિવસે બદલવાથી ઈયળનો નાશ થાય છે.

રાજ્યના ખેડૂતો તેમના પાકનું રક્ષણ કરીને બજારમાં સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર હેઠળની ખેતી નિયામકની કચેરી દ્વારા સમયાંતરે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે. ચોમાસાના આગમન પછી રાજ્યના ખેડૂતોએ મકાઈનું વાવેતર કર્યું છે. મકાઇના ઊભા પાકમાં થતા પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળ- ફોલ આર્મીવોર્મના સંકલિત વ્યવસ્થાપન કરવા માટે ખેતી નિયામકની કચેરી દ્વારા મહત્વના પગલાઓ સૂચવ્યા છે.

માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર, ખેતરમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતનાં પુખ્તને આકર્ષી નાશ કરવો જોઈએ. આ જીવાતનાં નર ફૂદાંને આકર્ષવા માટે 50 ફેરોમોન ટ્રેપ પ્રતિ હેકટર અથવા 20 ફેરોમોન ટ્રેપ પ્રતિ એકર લગાવવી અને લ્યુર 40 દિવસે બદલવાથી ઈયળનો નાશ થાય છે. સાથે જ ઈંડાના સમૂહ અને જુદાં-જુદાં તબક્કાની ઈયળોને હાથથી વીણી એકત્ર કરી નાશ કરવો જોઈએ.

આ જીવાતનાં બિન-રાસાયિણક નિયંત્રણ માટે ૫ ગ્રામ માટી-રેતીને મકાઈના છોડ વાવણીના 30 થી 45 દિવસ પછી ભૂંગળીમાં આપવાથી સારું નિયંત્રણ મળે છે. આ ઉપદ્રવની શરૂઆતમાં 20 ગ્રામ બેસીલસ થુરીન્ઝીન્સીસ ડબલ્યુજી 10 સી.એફ.યુ. પ્રતિ ગ્રામ અથવા 40 ગ્રામ બ્યુવેરીયા બેઝીયાના 20 સી.એફ.યુ. પ્રતિ ગ્રામ 10 લી. પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવાથી ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળને અસરકારક રીતે કાબુમાં લઇ શકાય છે. જ્યારે, 500 ગ્રામ લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો અથવા 30 મિ.લી. લીમડાનું તેલ પાણીમાં ભેળવી 10 ગ્રામ કપડા ધોવાનો પાવડર ઉમેરવું અથવા 10 થી 50 મિ.લિ. લીમડા આધારિત તૈયાર કીટનાશક દવાને 10 લી. પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવું જોઈએ.

આ ઈયળનું ઉપદ્રવ વધારે દેખાયતો આઈસોસાયક્લોસેરમ 18.1 એસસી 6 મી.લિ અથવા 1.5 ટકા એમામેક્ટીન બેન્ઝોએટ, 35 ટકા પ્રોફેનોફોસ, 15 ગ્રામ ડબલ્યુડીજીને 10 લી પાણીમાં મિશ્ર કરી છટકાવ કરવું અથવા 3 મી.લિ ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 18.5 એસસી, 10 મી.લિ સ્પીનેટોરમ 11.7  ઇસી, 3 ગ્રામ એમામેક્ટીન બેન્ઝોએટ 5 એસજી અથવા 15 ગ્રામ થાયોડીકાર્બ 75 ડબલ્યુપી 10 લી. પાણીમાં ભેળવી, છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો જોઈએ. મકાઈના વાવેતર બાદ પ્રથમ છંટકાવ 25 થી 30 દિવસે અને બીજો છંટકાવ 15 દિવસ બાદ કરવો જોઈએ. જો બંને વખતે પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવાનો હોય તો કીટનાશક દવા બદલવી હિતાવહ છે. 0.4 ટકા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ સી.જી દાણાદાર કીટનાશક 20 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર ભૂંગળીમાં આપવાથી ટપકાવાળી લશ્કરી ઇયળનું નિયંત્રણ કરી શકાય છે.

આ ઉપરાંત, 25 કિ.ગ્રા ડાંગરની કુશકી/ મકાઈનો લોટ, 5 કિ.ગ્રા ગોળ, 250 ગ્રામ થાયોડીકાર્બ 75 ડબલ્યુપીમાંથી બનાવેલ વિષ પ્રલોભિકા ભૂંગળીમાં આપવી જોઈએ. વિષ પ્રલોભિકા બનાવવા ગોળને 5 લિટર પાણીમાં ઓગાળી તેને 25 કિ.ગ્રા. ડાંગરની કુશકી/મકાઈના લોટમાં 10-12 કલાક ભેળવવું અને માવજતમાં ઉપયોગ કરતા પહેલા તેમાં 250 ગ્રામ થાયોડીકાર્બ ઉમેરી બરાબર ભેળવવું. જ્યારે, ઘાસચારાની મકાઈમાં વધુ ઉપદ્રવ જણાય તો તાત્કાલિક તેને કાપી લેવી અને ઢોરને ખવડાવી દેવી. જો આ ઘાસચારામાં કીટનાશકનો છંટકાવ કર્યો હોય તો 30 દિવસ બાદ જ ઢોરને ખવડાવવું જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code