પાલનપુરઃ બનાસકાંઠાના જિલ્લા મથક એવા પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. જેમાં શહેરના એરોમા સર્કલ પર તો ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની હતી. કારણ કે એરોમા સર્કલનો રાઉન્ડ મોટો બનાવાયો હોવાથી વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડતી હતી. સર્કલ મોટું હોવાને લીધે વારેવાર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળતી હતી. આથી સર્કલ તોડીને ટ્રાફિક સિગ્નલ મુકવાની માગ ઊઠી હતી. અંતે તંત્ર દ્વારા એરોમા સર્કલ તોડી પાડવા નિર્ણય લેવાયો છે.
પાલનપુર શહેરમાં એરોમા સર્કલ તોડીને રૂપિયા 6.96 કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ અને સુધારો કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં એરોમા સર્કલ આગળના લોખંડના પાર્કિંગમાં રાખેલા બંને શેડ હટાવી દેવામાં આવ્યા છે તેમજ ફૂટપાથ તોડવા માટે બ્લોક કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સર્કલ આજુબાજુ આવેલા હાઇવેના વિસ્તારને ચારે બાજુથી પહોળો કરાશે, તેમજ આબુ હાઇવે તરફ જવાના માર્ગને 7.50 મીટર પહોળો કરાશે તેમજ જેટકો કચેરી આગળ તેમજ સર્કિટ હાઉસ આગળનો ભાગ તોડી પાડવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે એરોમા સર્કલના અપગ્રેડશન અને ઇમ્પ્રુવમેન્ટ ની કામગીરી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરીને કામગીરી માટેનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. એરોમા સર્કલને ચારે બાજુથી વિસ્તૃતિકરણ કરવા ઉપરાંત લેફ્ટ સાઈડ ડેવલપ કરવા તેમજ બસપોર્ટ સુધી રોડ પહોળો કરવાની કામગીરી કરવામાં આવશે. હાલ જે સર્કલ છે તેને સંપૂર્ણ કાઢી નાખવામાં આવશે અને સિગ્નલ આધારિત ટ્રાફિક કામગીરી હાથ ધરવામાં આવશે. એરોમા સર્કલ કાઢી નાખી સિગ્નલો મુકવામાં આવશે. વાહનો સર્કલ પર ટ્રાફિક સિગ્નલને અનુસરીને આગળ વધશે. સર્કિટ હાઉસ આગળનો કેટલોક બગીચો અને થોડો પાર્કિંગ વિસ્તાર કપાતમાં જશે. અને સર્વિસ રોડ વધુ પહોળા કરાશે. ઉપરાંત બસપોર્ટ આગળની ફૂટપાથ કાઢી નાખવામાં આવશે. આથી સિટીમાં પ્રવેશવાનો માર્ગ વધુ પહોળો બનશે.