સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચાર્જિંગ સ્ટેશન નજીક પાર્કિંગમાં પાર્ક કરેલી 20 જેટલી ઈ-રિક્ષા આગમાં બળીને ખાક
રાજપીપળાઃ રાજ્યના પર્યટક સ્થળ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચાર્જિગ સ્ટેશનથી 30થી 35 ફુટ દુર પાર્ક કરેલી ઈ-રિક્ષામાં આગ લાગતા આજુબાજુ પાર્ક કરેલી 20 ઈ-રિક્ષા બળીને ખાક થઈ ગઈ હતી. જો કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહિવટી તંત્રએ સ્પષ્ટતા કરી હતી કે, ચાર્જિંગ સ્ટેશનથી 35 ફુટ દુર KETO કંપનીની માલીકીની 15 રિક્ષાઓ પાર્કિંગમાં મુકેલી હતી. તે દરમિયાન આગ લાગી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લાના કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઈ-કાર અને ઈ- રિક્ષાઓની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને પોતાનાં વાહનો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 7 કિલોમીટર દૂર પાર્ક કરીને ત્યાંની લોકલ બસ અથવા ઈ-રિક્ષાનો ઉપયોગ કરવો પડે છે. પિંક ઈ-રિક્ષાઓ એકતાનગરીમાં 100 જેટલી ફરે છે. ત્યારે ગતરાત્રિના ચાર્જિંગ પોઇન્ટથી 35 ફૂટ દૂર પાર્કિંગમાં પડેલી રિક્ષાઓમાં અચાનક જ આગ લાગી હતી. જોતજોતામાં 20 જેટલી ઈ-રિક્ષાઓ બળીને ખાક થઈ ગઈ હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર રાત્રે બંધ થયા બાદ ચાર્જિગ સ્ટેશનથી 35 ફૂટ દૂર પાર્કિંગમાં 20 ઇ-રિક્ષા મૂકી હતી. ગુરુવારે મળસકે આશરે 3 વાગ્યાના સુમારે એકાએક રિક્ષા સળગવા લાગી હતી અને જોતજોતામાં તમામ પિંક ઇલેક્ટ્રિક રિક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. સાગમટે 20 રિક્ષા સળગી ઊઠવાની જાણ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સત્તા મંડળ અને ફાયર બ્રિગેડ સહિત પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. ટેક્નિકલ અને નિષ્ણાતોની ટીમે ઘટના સ્થળે પહોંચીને હાઈ વોલ્ટેજ, બેટરી ફાટવા કે ઓવર ચાર્જિંગના લીધે ઘટના બની છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. વધુમાં કોઈ અનિચ્છનીય બનાવ કે ભાંગફોડિયા તત્ત્વ દ્વારા પણ આ કૃત્ય કરાયું છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચલાવાઈ રહી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે, ગતરાત્રિએ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવા દરમિયાન રિક્ષાઓ ચાર્જિંગ સ્ટેશનથી 30-35 ફુટ દૂર પાર્કિંગમાં રાખવામાં આવી હતી તે દરમિયાન આગ લાગી હતી. ત્યારે સમગ્ર બાબતે KETO કંપનીના પ્રતિનિધિએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ આપી છે અને કેવડિયા પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાલ ચાલી રહી છે. પોલીસ દ્વારા એફએસએલની મદદ લઇને વૈજ્ઞાનિક ઢબે પણ તપાસ ચાલુ કરાઇ છે. આ ઉપરાંત KETO કંપનીના તજજ્ઞો દ્વારા પણ તપાસ હાથ ધરાઇ છે.