Site icon Revoi.in

અમેરિકાની 200 જેટલી કંપની પર થયો સાયબર હુમલો, શકની સોય રશિયા પર

Social Share

દિલ્હી :આજકાલ લોકો દ્વારા એવું તમને સાંભળવા મળતું હશે કે ભવિષ્યમાં જે યુદ્ધ થવાના એ સાયબર હુમલા થવાના. આ વિશે હવે તમામ દેશોએ પગલા લેવાનું પણ શરૂ કરી દીધુ પણ સાયબર ક્રાઇમ કરનારા એટલા ચાલાક છે કે, તેઓ કોઈ પણ પ્રકારની સુરક્ષાને તોડી નાખે છે અને ગેરકાયદેસર કામ કરે છે.

સાયબર ક્રાઈમ કરનારા લોકોથી તો અમેરિકા પણ સુરક્ષિત નથી, જે થોડા દિવસ પહેલા એક કંપની દ્વારા જાહેર થયેલી યાદીમાં પ્રથમ સ્થાને આવ્યું હતું. અમેરિકા ફરી એક વખત સાયબર એટેકનો ભોગ બન્યુ છે. હેકરો દ્વારા અમેરિકાની 200 કંપનીઓ પર એક સાથે કોલોસેલ રેનસમવેર એટેક કરવામાં આવ્યો છે.

હંટ્રેસ લેબે કહ્યું કે હેકિંગ મારફતે ફ્લોરિડામાં આવેલી આઇટી ફર્મ કાસિયા કંપનીના સર્વરને પહેલાં હેકરો એ ટાર્ગેટ કરી હતી અને ત્યારબાદ આ જ કંપનીના સોફ્ટવેરનો ઉપયોગ કરી અમેરિકાની અન્ય કંપનીઓ સુધી હેકરો ઘુષણખોરી કરી હતી. સાયબર એટેકનો ભોગ બનનાર કંપની કાસિયાનું કહેવું છે કે, આ સંભવિત એટેકની તપાસ કરવામાં આવી રહી છે.

રશિયાના હેકરો વિશ્વભરમાં પોતાના હેકિંગ સ્કીલના કારણે પ્રખ્યાત છે. રશિયાના હેકરો દ્વારા અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ કેટલીકવાર કરવામાં આવતી હોય છે. પણ ચાલાકી અને ચતુરાઈને કારણે તેઓને પકડી શકાતા નથી.

હંટ્રેસ લેબ એ એવુ પણ કહ્યુ કે, આ સાયબર એટેક પાછળ રશિયા સંબંધિત REvil રેનસમવેર ગેંગનો હાથ છે. અમેરિકામાં સાયબર સિક્યુરિટીનું કામ કરતી એજન્સીનું કહેવું છે કે, આ સાયબર એટેક શુક્રવારે બપોરે થયો હતો જ્યારે મોટાભાગની અમેરિકન કંપનીઓના કર્મચારીઓ લાંબા વીકએન્ડ પર જવાની તૈયારી કરી રહ્યા હતા.

આઈટી કંપની કાસિયાના કહેવા પ્રમાણે હેકરોએ કંપનીના કોપ્રોટે સર્વર, નેટવર્ક ડિવાઈસ ચલાવતી એક એપ્લિકેશન સાથે છેડછાડ કરી છે. હવે કંપની પોતાની ક્લાયન્ટ કંપનીઓને સર્વર શટડાઉન કરવા માટે જણાવી દીધુ છે.

સાયબર સિક્યુરિટી ફર્મ હંટ્રેસ લેબ્સનું કહેવું છે કે, આ એટેકના કારણે 200 કંપનીઓ પર અસર થઈ છે અને આની સંખ્યામાં વધવાની પણ શક્યતા છે. જોકે આઈટી કંપની કાસિયાએ આ સાયબર એટેકથી પ્રભાવિત થયેલી કંપનીઓનો આંકડો આપવાની ના પાડી દીધી છે.

સાયબર સિક્યુરિટી ફર્મ હંટ્રેસ લેબ્સે ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીને આપેલી જાણકારીમાં શંકા વ્યક્ત કરી છે કે, આ હુમલા પાછળ રશિયાની રેવિલ નામની નામચીન રેનસમવેર હેકર્સ ગેંગનો હાથ છે. આ દુનિયાની સૌથી ખતરનાક સાયબર ગેંગ્સ પૈકીની એક છે. મે મહિનામાં થયેલા એક સાયબર એટેક માટે એફબીઆઈ આ ગેંગને દોષી ઠેરવી ચુકી છે.

જો કે રશિયા અને અમેરિકા વચ્ચે તમામ ક્ષેત્રે રેસ લાગેલી હોય છે અને તેના કારણે બંન્ને દેશો પોતાની રીતે વધારે મજબૂત બનવા માટે તમામ પ્રયાસો પણ કરતા રહેતા હોય છે. રશિયા અને અમેરિકા બંન્ને વિશ્વમાં 90 ટકાથી પણ વધારે પરમાણું હથિયારો ધરાવે છે જે ક્યાંકને ક્યાંક વિશ્વ માટે પણ જોખમી છે.