ઈ-શ્રમ પોર્ટલમાં અત્યાર સુધીમાં લગભગ 30 કરોડ કામદારોએ નોંધણી કરાવીઃ ભૂપેન્દ્ર યાદવ
નવી દિલ્હીઃ શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં નોકરીની તકોમાં નોંધપાત્ર વધારો થયો છે અને લગભગ 1 કરોડ 25 લાખ નવી નોકરીની તકો ઊભી થઈ છે. તેમણે કહ્યું કે, ”ઈ-શ્રમ પોર્ટલમાં અત્યાર સુધીમાં લગભગ 30 કરોડ કામદારોએ નોંધણી કરાવી છે.” શ્રમ અને રોજગાર મંત્રાલયની 9 વર્ષની સિદ્ધિઓ વિશે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા યાદવે જણાવ્યું હતું કે, સરકારે સંગઠિત અને અસંગઠિત કામદારોના કલ્યાણની ખાતરી કરીને સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
તેમણે કહ્યું કે, સરકારે ”પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના” દ્વારા અસંગઠિત કામદારોને સામાજિક સુરક્ષા આપવાનું પગલું ભર્યું છે. તેમણે મુદ્રા અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાઓની પણ પ્રશંસા કરતા કહ્યું કે, આ યોજનાઓએ અસંગઠિત કામદારોને મદદ કરી છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તેમના કલ્યાણ માટે લેવામાં આવેલા પગલાંને કારણે કર્મચારીઓમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે.
શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના દ્વારા અત્યાર સુધીમાં 44 લાખથી વધુ લાભાર્થીઓ આ યોજના હેઠળ નોંધાયેલા છે. આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ, 1 લાખ 52 હજારથી વધુ સંસ્થાઓએ કુલ 9 હજાર 400 કરોડ રૂપિયાથી વધુની રકમના વિતરણ સાથે લાભનો દાવો કર્યો છે. આત્મનિર્ભર ભારત રોજગાર યોજના અર્થવ્યવસ્થાને વેગ આપવા, કોવિડ પછીના પુનઃપ્રાપ્તિ તબક્કામાં રોજગાર નિર્માણમાં વધારો કરવા અને નવી રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ભારત 3.0ના ભાગ રૂપે જાહેર કરવામાં આવી હતી.